Face of Nation 11-01-2022: ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ વધુ ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. કાનપુર ગ્રામ્ય અને બાંદાના ધારાસભ્યએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. શાહજહાંપુરથી તિલહર ધારાસભ્ય રોશનલાલ વર્મા ભાજપ છોડીને સાયકલ પર સવાર થઈ ગયા છે. મહત્વનું છે કે સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના સમાચાર બાદ કાનપુર બિલ્હૌરથી ભાજપના ધારાસભ્ય ભગવત સાગર સ્વામી પ્રસાદને મળવા પહોંચ્યા હતા. ત્રણેય ધારાસભ્ય સપામાં સામેલ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપ છોડ્યા બાદ રોશનલાલ વર્માએ કહ્યુ- સ્વામી પ્રસાદ મૌર્ય જ્યાં જશે તેમની સાથે રહીશ. તેમણે ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં અમારી ઉપેક્ષા થઈ છે. તેમણે કહ્યું- યૂપીમાં ભાજપની સરકાર નહીં અધિકારીઓની સરકાર હતી. લોક ભવનમાં બે-બે કલાક બેસાડી રાખવામાં આવતા હતા. રોશનલાલ વર્માએ મંત્રી સુરેશ ખન્ના પર પણ આરોપ લગાવ્યા છે.
વધુ ચાર ધારાસભ્ય છોડી શકે છે પાર્ટી
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામા પડવાનું શરૂ થઈ ગયું છે. સ્વામી પ્રસાદ મૌર્ય બાદ અન્ય ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમામે ભાજપના હજુ ચાર એવા ધારાસભ્ય છે જે પાર્ટી છોડી શકે છે. તેમાં મમતેશ શાક્ય, વિનય શાક્ય, ધર્મેન્દ્ર શાક્ય અને નીરજ મૌર્યનું નામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી.
સ્વામી પ્રસાદ મૌર્યએ રાજ્યપાલને મોકલ્યું રાજીનામું
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું ધરી દીધુ છે. સ્વામી પ્રસાદ મૌર્યનું કેબિનેટમાંથી રાજીનામું આપવું એ ભાજપ માટે મોટા આંચકા સમાન છે. મળતી માહિતી મુજબ સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘દલિતો, પછાતો, ખેડૂતો, બેરોજગાર, યુવાઓ અને નાના લઘુ તથા મધ્યમ શ્રેણીના વેપારીઓ માટે ઘોર ઉપેક્ષાત્મક વલણના કારણે ઉત્તર પ્રદેશના યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.’
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલેલા રાજીનામા પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રિમંડળમાં શ્રમ અને સેવાયોજન તથા સમન્વય મંત્રી તરીકે વિપરિત પરિસ્થિતિઓ તથા વિચારધારામાં રહીને પણ ખુબ જ મનોયોગ સાથે જવાબદારી નીભાવી છે. પરંતુ દલિતો, પછાતો, ખેડૂતો બેરોજગાર યુવાઓ તથા નાના- લઘુ તથા મધ્યમ શ્રેણીના વેપારીઓ માટે ઘોર ઉપેક્ષાત્મક વલણના કારણે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.
સ્વામી પ્રસાદ મોર્યએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તેમની સાથે એક તસવીર શેર કરીને લખ્યું કે સામાજિક ન્યાય અને સમતા-સમાનતાની લડત લડનારા લોકપ્રિય નેતા શ્રી સ્વામી પ્રસાદ મૌર્યજી અને તેમની સાથે આવનારા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સપામાં સહસન્માન હાર્દિક સ્વાગત અને અભિનંદન. સામાજિક ન્યાયનો ઈન્કલાબ થશે. બાવીસમાં બદલાવ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).