Home Uncategorized Special Report : ભવિષ્યની લાલસામાં 85 લાખ થી 1 કરોડ સુધી ખર્ચીને...

Special Report : ભવિષ્યની લાલસામાં 85 લાખ થી 1 કરોડ સુધી ખર્ચીને લોકો અમેરિકા ગેરકાયદે જવા તૈયાર થાય છે, જુઓ ફોટો

Face of Nation Special Report 23-01-2022 : તાજેતરમાં કેનેડાની બોર્ડર ઉપર એક ગુજરાતી પરિવારે અમેરિકામાં પ્રવેશ કરવા જતા ઠંડીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખર વિદેશમાં ગેરકાયદે પ્રવેશવાની આખી પ્રક્રિયા રુંવાડા ઉભા કરી દે તેવી છે. પૈસા ખર્ચીને પણ અનેક સમસ્યા અને પડાવો પાર કર્યા બાદ અમેરિકા પહોંચાય છે ત્યારે ફેસ ઓફ નેશન આ સમગ્ર મામલે એક વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યું છે. વિદેશ શબ્દ એક સમયે આશ્વર્યજનક હતો. કોઈ એમ કહેતું કે મારો છોકરો કે છોકરી વિદેશ ભણવા કે વિદેશ સ્થાયી થવા જઈ રહ્યો છે ત્યારે સમાજ અને ગામમાં પ્રસિદ્ધિ થઇ જતી હતી પરંતુ હવે આ બાબત કોઈ નવાઈની રહી નથી. ઉજ્જવળ ભવિષ્ય અને સુખશાંતિના જીવન માટે વિદેશના મોહમાં લોકો 85 લાખથી 1 કરોડ રૂપિયા વ્યાજે ખર્ચીને પણ ગેરકાયદે પ્રવેશ લઇ રહ્યા છે. હાલ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થવાની ભરપૂર ડિમાન્ડ છે. કેમ કે, અહીં સ્થાયી થવા આવેલા વ્યક્તિને વૈભવી જીવનશૈલીની સાથે શાંતિ પણ મળી રહે છે. જે લોકોને મહેનત કરીને ખાવું છે રહેવું છે અને સુખી જીવન જીવવું છે તેમના માટે વિદેશ હંમેશા આશીર્વાદરૂપ જ છે પરંતુ જેમને ખાલી મફતના રોટલા તોડીને ગામના ભાગોળે પંચાત કરવી છે તેમના માટે વિદેશ કદીયે યોગ્ય નથી. એ વાત પણ નકારવા જેવી નથી કે, ગેરકાયદે વિદેશમાં પ્રવેશનારાઓનું સૌથી વધુ શોષણ ગુજરાતીઓ જ કરે છે બાકી જો કોઈ નોન ગુજરાતી ભારતીયને ત્યાં અથવા અમેરિકનને ત્યાં નોકરી મળી જાય તો કોઈ વ્યક્તિ માટે વિદેશ શોષણરૂપ નથી. કેમ કે, અહીં વર્કર એટલે નોકરી કરનારા માટેના કાયદાઓ ખુબ જ કડક છે અને લાભકારક પણ છે, એટલે જ ગુજરાતીઓ મોટેભાગે ક્યારેય વિદેશીઓને નોકરી રાખવામાં માનતા નથી.હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમ્યાન પણ અમેરિકામાં મેક્સિકો અને કેનેડાની બોર્ડરથી મોટી સંખ્યામાં ભારતીયોએ પ્રવેશ મેળવ્યો છે.લાખ્ખો કરોડો ખર્ચ્યા પછી અમેરિકામાં પ્રવેશ મેળવવો કદાચ યોગ્ય નથી પરંતુ ઉજ્જવળ ભવિષ્ય માટે આટલી રકમ ખર્ચીને વિદેશમાં પ્રવેશ લેવો એ વખોડવા લાયક પણ નથી. કેમ કે આશરે બે ત્રણ વર્ષની મહેનતે લાખ્ખો કે કરોડોની રકમમાંથી વ્યક્તિ મુકત થઇ જાય છે અને ત્યાર પછીની જિંદગી શાંતિ અને સુખરૂપ સાબિત થાય છે. વિદેશમાં શિક્ષણ મફત છે સાથે જ કાયદાઓ એટલા પ્રજાના હિતમાં છે કે, કેટલાક અપવાદોને બાદ કરતા ભારતમાં રહેનારને એક વાર વિદેશનો સ્વાદ ચાખ્યા પછી ભારત પરત ફરવું પસંદ આવતું નથી તેનું મુખ્ય કારણ પણ ભારતના કાયદાઓ અને ભારતમાં વ્યક્તિ પાસેથી છીનવી લેવામાં આવતી સ્વતંત્રતા છે.મેક્સિકો અને કેનેડાની બોર્ડર પાર કરવા માટે અનેક કિલોમીટર સુધી દોડવું પડે છે, નદીઓ પાર કરવી પડે છે, ઊંચી દીવાલો કુદવી પડે છે, રાતના અંધારામાં ખેતરોમાં સતત સંતાઈને ચાલવું પડે છે. આ તમામ પડાવો પાર કર્યા પછી અમેરિકામાં પ્રવેશતા જ અમેરિકન બોર્ડર ડિપાર્ટમેન્ટ અથવા તો પોલીસ પાસે તમને પકડાવી દેવામાં આવે છે જેનું મુખ્ય કારણ કેસ ફાઈલ કરવાનું હોય છે. પોલીસ કે બોર્ડર ડિપાર્ટમેન્ટ જે તે વ્યક્તિને પકડીને જેલમાં મોકલી આપે છે અને કેસ દાખલ કરે છે. આ કેસ બાદ વ્યક્તિને જામીન બોન્ડ ઉપર છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તે અમેરિકામાં રહીને નોકરી કરીને પોતાની જિંદગીની શરૂઆત કરે છે. નોન ઇમિગ્રન્ટ મામલે દાખલ કરવામાં આવેલા કેસો એટલી મોટી માત્રામાં પેન્ડિગ છે કે, 20 વર્ષથી અમેરિકામાં રહેનારા ગેરકાયદે લોકોના કેસો હજુ પણ શરૂ થયા નથી, પરિણામે આવા લોકોને અમેરિકામાં રહેવાનું મોકળું મેદાન મળે છે. કેસ ચાલુ થાય તે પહેલા વ્યક્તિ અમેરિકાના કોઈ ક્રાઇમમાં સંડોવાયેલો ન હોય અને ટેક્સ ભરીને સારી કામગીરી કરી રહ્યો હોય તો તેને અમેરિકામાં રહેવા માટે સરકાર સહમતી આપે છે.

જો કે આ તમામ પ્રક્રિયાનો સામનો કરતા કરતા 20-25 કે 30 વર્ષ જેટલો લાંબો સમય નીકળી જાય છે પરંતુ ત્યાં સુધીમાં વ્યક્તિ તેના સુખી જીવન માટે જેટલું જોઈએ તેટલું કમાઈ લે છે અને સુખી જીવન પણ જીવી લે છે. કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે એ વાત તદ્દન સાચી છે, કેમ કે ભારતમાં વ્યક્તિ જેટલી મહેનત કરે છે તેટલી જ વિદેશમાં કરે તો તે તેના તમામ સ્વપ્ન પુરા કરવાની હિંમત ધરાવે છે. લોકો એવી પણ વાતો કરે છે કે, વિદેશમાં ટોયલેટો સાફ કરવા પડે છે, વિદેશમાં લોકોની ડીશો ઉપાડવી પડે છે, વિદેશમાં મોટેલોનાં રૂમની ચાદરો બદલવી પડે છે, જો કે આ તમામ બાબતોમાં સૂગ ચઢાવવા જેવું કાંઈ જ નથી કે નીચા દેખાવા જેવું પણ કાંઈ જ નથી કેમ કે વિદેશમાં ટેક્નોલોજી વધારે છે. ભારતીયો ભારતમાં બેઠા બેઠા આ બધી વાતો કરે છે પણ વિદેશમાં ઉંચનીચનો ભેદભાવ નથી જેને કારણે વ્યક્તિ ગમે તે કામ કરતો હોય તેને અડવાનું કે બોલાવવા માટે કોઈ ભારતીય માનસિકતા નથી ધરાવતા. ભારતમાં કોઈ ટોયલેટ સાફ કરતા હોય તો તેને અછૂત માનીને અડવાનું પણ પસંદ કરતા નથી જયારે વિદેશમાં ટોયલેટ સાફ કરનાર હોય કે મોલનો માલિક હોય તમામને એક નજરે જ જોવામાં આવે છે અને તમામને એક સરખું માન સન્માન મળે છે.દેશ અને વિદેશની જીવનશૈલીથી માંડીને અનેક બાબતોમાં મોટી સરખામણી છે. જે આસમાન અને જમીન જેવી છે. કોઈ પણ દેશની પ્રગતિ તે દેશના રહેવાસીઓની માનસિકતા ઉપરથી નક્કી થતી હોય છે. ભારતમાં લોકો પૂજાપાઠ અને ભગવાનની ભક્તિમાં માને છે પરંતુ વ્યક્તિ માટે હંમેશા વિચારો જુદા હોય છે. પૈસા પાછળ ઘેલો બનેલો માણસ આજે એ હદે છે કે, ભારતમાં સગો ભાઈ સગા ભાઈ ઉપર વિશ્વાસ રાખતો નથી જયારે વિદેશમાં કોઈ ભગવાનને ભજીને દેખાડો કરતા નથી પણ માણસાઈ જીવંત છે. લોકોમાં લાગણી છે અને તેથી જ માણસની અને માણસના જીવની કિંમત છે. આ તમામ વાતો નગ્ન સત્યરૂપ છે કે જેના માટે વ્યક્તિ લાખ્ખો કરોડો ખર્ચીને પણ વિદેશમાં સ્થાયી થવા ઝંખે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).