Home News ગુજરાતના વડોદરામાં બેન્ક ઓફ બરોડાના કર્મચારીની સૂચના, “અમારો સ્ટાફ નોન ગુજરાતી છે,...

ગુજરાતના વડોદરામાં બેન્ક ઓફ બરોડાના કર્મચારીની સૂચના, “અમારો સ્ટાફ નોન ગુજરાતી છે, અરજી અંગ્રેજીમાં લખીને આપો”

Face of Nation 04-02-2022 : ગુજરાતમાં સરકારી કચેરીમાં જતા જ અધિકારી રાજ જોવા મળે છે. ઘણા સરકારી અધિકારીઓ એવા છે કે જેઓ ગુજરાતીમાં વાત જ કરી શકતા નથી જેને કારણે તેઓ અંગ્રેજી અથવા હિન્દીમાં વાતચીત કરવાનું યોગ્ય માને છે. જેથી તેમની મુલાકાતે આવનારા તમામ લોકોને અંગ્રેજી કે હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી બની જાય છે. વડોદરાની બેન્ક ઓફ બરોડામાં પણ એક ખાતાધારકને બેન્ક સાથે કરેલો પત્રવ્યવહાર અંગ્રેજીમાં લખવાની સૂચના આપવામાં આવી હતી. આ ખાતાધારકે તેની પૈસા લેવા માટેની અરજી ગુજરાતીમાં આપતા બેન્કના કર્મચારીને તેને નકારીને અંગ્રેજીમાં લખી આપશે તો જ લેવાનો હુકમ કર્યો હતો. આ ખાતાધારક અંગ્રેજી નહીં જાણતો હોવાથી વિમાસણમાં મુકાઈ ગયો હતો.
વડોદરામાં રહેતા અને ઘરે ચીજવસ્તુઓ બનાવીને વહેચતી મહિલાએ કેટલીક વસ્તુઓ વિદેશની કંપનીને વેચી હતી. આ વસ્તુઓ પેટે તેને વિદેશથી મહેનતાણાની રકમ વાયર સ્વરૂપે તેના બેન્ક ખાતામાં મળી હતી. આ મહિલા વડોદરાના છાણીમાં આવેલી બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં સેવિંગ ખાતું ધરાવે છે. જો કે, બેન્કના કર્મચારીઓએ આ રકમ બિલ અને વસ્તુઓ જે પોસ્ટ મારફતે મોકલી હોય તેના બીલો રજૂ કરવાની સૂચના આપી હતી. જો તે આ બીલો રજૂ કરશે તો જ તેના ખાતામાં પૈસા આપવામાં આવશે તેમ કહીને બેન્કે વિદેશથી આવેલી રકમ રોકી દીધી હતી અને તેના ખાતામાં જમા આપી નહોતી. બેન્કની આવી કામગીરીથી સ્તબ્ધ થઇ ગયેલા અરજદારે બિલ સહિતના તમામ ડોક્યુમેન્ટ રજૂ કરતા જ બેન્કના કર્મચારીએ એવી પલ્ટી મારી હતી કે, હવે તમે કરન્ટ ખાતું ખોલાવો તો જ તમને આ રકમ તમારા ખાતામાં જમા આપવામાં આવશે, બિઝનેશ પેટે મળેલી રકમના પૈસા અમે તમને સેવિંગ ખાતામાં જમા નહીં આપીએ અથવા તો અમે આ રકમ પરત કરી દઈએ. મહેનત કરનારે મહેનત કરી અને પૈસા મોકલનારે પૈસા મોકલ્યા છતાં વચ્ચે બેન્કના કર્મચારીઓની તપાસના નામે થતી હેરાનગતિ ગુજરાતી કહેવત “ચા કરતા કીટલી ગરમ”ને બંધ બેસે તેમ છે. આટલેથી નહીં અટકનાર બેન્કના કર્મચારીઓની માંગ અનુસાર જયારે અરજદાર અરજી લખીને બેન્કમાં પહોંચ્યા ત્યારે તેમની અરજી નકારી દઈને લેવાનો ઇન્કાર કરતા વધુ એક બહાનું એવું ધરી દેવામાં આવ્યું હતું કે, અહીં બધા નોન ગુજરાતી અધિકારીઓ છે, જેમને ગુજરાતી આવડતું નથી તેથી તેમને અંગ્રેજીમાં અરજી લખીને આપો.
બેન્કના કર્મચારીઓની હેરાનગતિથી ક્યારેક ખાતાધારકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. પરંતુ ગુજરાતમાં કાર્યરત બેન્ક ઓફ બરોડાની વડોદરા શાખામાં શું બધા કર્મચારીઓ અને અધિકારીઓ ગુજરાત બહારથી જ ભરવામાં આવ્યા છે કે, અરજદારની અરજીને પણ અંગ્રેજીમાં જ સ્વીકારવી તેવા આદેશો આપવામાં આવે છે. બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ કે કર્મચારીઓ ખાતાધારકને ક્યારેય આવું કારણ બતાવીને ખાતાધારકની રજુઆત નકારી શકે નહીં તેમ છતાં નોન ગુજરાતી કેટલાક અધિકારીઓને કારણે થતી આ પ્રકારની હેરાનગતિને કારણે ખાતાધારકો રીતસર ત્રાહિમામ પોકારી ઉઠે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).