Home Crime ધંધુકાનાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં NIA સહિતની એજન્સીઓએ પણ ઝુકાવ્યું

ધંધુકાનાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં NIA સહિતની એજન્સીઓએ પણ ઝુકાવ્યું

Face of Nation 05-02-2022 : બહુચર્ચીત અને દેશભરમાં પડઘાયો છે તે ગુજરાતના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યાના ચકચારી કેસની તપાસમાં હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈ) એ પણ ઝુકાવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓ દ્વારા ગુરૂવારે આ માહિતી આપવામાં આવી હતી. ગત 25 જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યા થઈ હતી.

એટીએસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘આ કેસમાં ટેરર એન્ગલ મળી આવતા યુએપીએ લાગુ કરવામાં આવ્યો હતો અને એનઆઈએના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. જોકે તેમણે તપાસને સત્તાવાર નથી લીધી.’ વધુમાં જણાવ્યું કે, આ કેસની લિંક દિલ્હી સાથે સંકળાયેલી હોવાથી એનઆઈએ ઉપરાંત કેન્દ્રીય IB પણ તેની વિગતો મેળવી રહ્યું છે.

અધિકારીના કહેવા પ્રમાણે હજુ સુધી આ કેસમાં કોઈ પાકિસ્તાની સંગઠન સાથેનું જોડાણ સામે નથી આવ્યું. એવી અફવાઓ ચાલી રહી છે કે, દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની અને અમદાવાદના મૌલવી અય્યુબ જાવરાવાલા જેમણે કથિત રીતે 2 મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને કિશન ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા તેઓ પાકિસ્તાનના કેટલાક સંગઠનો સાથે સંકળાયેલા છે. પરંતુ અમને આ અફવાઓમાં કોઈ દમ નથી લાગી રહ્યો.

એટીએસના અધિકારીઓએ આ સિવાય કિશન ભરવાડની હત્યા મામલે વધુ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. કિશન ભરવાડની હત્યા એક કથિત વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટના કારણે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટીએસના ડીવાયએસપી બી.એચ.ચાવડાના કહેવા પ્રમાણે શબ્બીર અને ઈમ્તિયાઝે અગાઉ પોરબંદરના રહેવાસી સાજન ઓડેદરાની આવી જ ફેસબુક પોસ્ટ શેર કરવાને લઈ હત્યા કરવાની યોજના બનાવી હતી.

એટીએસ દ્વારા બુધવારે રાજકોટના કથિત પિસ્તોલ સપ્લાયર રમીઝ સેતા, પોરબંદરના મોહમ્મદ હુસૈન ખત્રી અને ધંધુકાના માટિન મોદનની ધરપકડ કરવામાં આવી હતી. ચાવડાના કહેવા પ્રમાણે કિશનની હત્યા બાદ શબ્બીર અને ઈમ્તિયાઝ ફરાર હતા ત્યારે મોદને તેમને રહેવા-જમવાની અને 8,000 રૂપિયાની મદદ કરી હતી. જે પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સેતાની હતી. સેતાએ તે પિસ્તોલ અઝીમ સમાને આપી હતી. જાવરાવાલાએ થોડા સમય પહેલા સમા પાસેથી તે હથિયાર વાપરવા લીધું હતું અને હત્યા માટે શબ્બીરને આપ્યું હતું.

ચાવડાએ જણાવ્યું કે, ઉસ્માનીને ફન્ડિંગ ક્યાંથી મળ્યું તે જાણવા એટીએસ દ્વારા તેની બેંકની વિગતો તપાસવામાં આવી રહી છે અને સેન્ટ્રલ એજન્સી પણ આ કેસની ટેરર ફન્ડિંગ, આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ જેવા વિવિધ એન્ગલથી તપાસ કરી રહી છે. ઉસ્માનીએ શબ્બીર ચોપડાને જાવરાવાલાના સંપર્કમાં રહેવા માટે કહ્યું હતું અને જ્યારે તેણે કિશન ભરવાડને પાઠ ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે જાવરાવાલાએ તેને હત્યા કરવા માટે પિસ્તોલ અને કાર્ટ્રિજ્સ આપ્યા હતા. એટીએસ દ્વારા કિશન ભરવાડની હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવવામાં આવ્યું છે અને આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક અને યુએપીએ લાગુ કરવામાં આવ્યા છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).