Face of Nation 06-02-2022 : જયારે કોઈ દેશ કે રાજ્યમાં સત્તાધારી પક્ષના જ નેતા, આગેવાન કે પદાધિકારી સરકારી તંત્રના અધિકારી રાજ સામે આક્ષેપ કે અવાજ ઉઠાવે ત્યારે તે બાબત અત્યંત ગંભીર બની જાય છે. જેની સત્તા છે તે જ પક્ષના નેતા જયારે અધિકારીઓના કારનામા અંગે જાહેરમાં બોલે ત્યારે તે બાબત ઉપર ચોક્કસ તપાસના આદેશ છુટવા જોઈએ કેમ કે ભાગ્યે જ એવું બને છે કે સત્તાધારી પક્ષના નેતાઓને અધિકારીઓ ગાંઠતા નથી. ખાસ કરીને જયારે ભાજપના રાજની શરૂઆત થઇ છે ત્યારે મોટાભાગના સરકારી બાબુઓ રીતસર પોતાનું ઈમાન નેવે મૂકીને ભાજપને સમર્પિત થઇ ગયા છે. રાજકોટ ભાજપના નેતાએ કમિશનર ઉપર કરેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ મોટો સવાલ એ થાય છે કે ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર કે આઇપીએસ અધિકારીઓ દુધે ધોયેલા છે ? આ બાબતે ફેસ ઓફ નેશન પડદા પાછળની સચ્ચાઈના વિશેષ અહેવાલો રજૂ કરવા જઈ રહ્યું છે.
તાજેતરમાં રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. જ્યાં ખાખીનું નેતૃત્વ જ ભ્રષ્ટ થઇ જાય કે જ્યાં ખાખીના નેતૃત્વ ઉપર જ ભ્રષ્ટાચારના આરોપો લાગે ત્યાં કાયદાની આબરૂ બચાવવા કોણ મેદાને ઉતરે તે એક મોટો સવાલ છે. ભાજપ સરકારના રાજમાં ટ્રાન્સફર અને મનગમતી પોસ્ટિંગના ભાવ બોલાય છે. આ વાત જગજાહેર છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર મહાનગર પોલીસ કમિશનરના હસ્તક છે. આ શહેરોમાં પોલીસ કમિશનર ફરજ બજાવતા હોય છે. જેને શહેરના પોલીસ વિભાગના વડા પણ કહેવાય છે. આ શહેરોમાં અનુક્રમે સંજય શ્રીવાસ્તવ, અજય તોમર, સમશેરસિંધ અને મનોજ અગ્રવાલનો સમાવેશ થાય છે. આ તમામ પોસ્ટિંગ લોબિંગ અને સેટિંગથી થયેલા છે તે જગજાહેર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્તાધારી પક્ષની ભક્તિમાં તલ્લીન થઇ જાઓ કે જી હજુરી કરવા લાગો તો તમને મનગમતું સ્થાન મળે છે તે વાતમાં પણ કોઈ શંકા નથી. રાજકારણ અને સનદી અધિકારીઓની ગોઠવણો વર્ષોથી ચાલી આવી છે.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ગોવિંદ પટેલના ખુલ્લા આક્ષેપો મનોજ અગ્રવાલ કરતા ભાજપની સરકાર સામે આંગળી ચીંધી રહ્યાં છે તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી. મનોજ અગ્રવાલ પોલીસ ફરિયાદ નોંધવાના બદલે કરોડો રૂપિયાની ઉઘરાણી પેટે લાખો રૂપિયાનું કમિશન મેળવ્યું હોવાના સીધા આરોપથી ભાજપ સરકાર ધ્રુજી ગઈ છે. આ ઉઘરાણી અને તોડની મોડ્સ ઓપરેન્ડી ગુજરાતના લગભગ તમામ શહેર અને જિલ્લામાં પોલીસ ચલાવી રહી છે. ગુજરાત પોલીસમાં પ્રામાણિક અધિકારીઓ આંગળીના વેઢે ગણાય તેટલાં રહ્યાં છે અને તેઓને હવે સાઈડ લાઈન કરીને એવી જગ્યાએ ખૂણામાં બેસાડી દેવામાં આવ્યા છે કે તેમનાથી શેકેલો પાપડ પણ ન તૂટે. અમદાવાદની વાત કરો કે અન્ય શહેરની કયાં અને કેવી ગોઠવણ ઉચ્ચ IPS અધિકારીઓ કરે છે તેની ગુનેગારથી લઈને ચાવાળાને ખબર છે.
ગુજરાતીમાં કહેવત છે ને, છીંડે ચઢ્યો તે ચોર. બસ આવી જ હાલત અત્યારે મનોજ અગ્રવાલની થઇ છે. ભાજપ ધારાસભ્યનું કોઈ કામ આ મનોજ અગ્રવાલે નહીં કર્યું હોય એટલે એમના પાનાઓ ખુલવા લાગ્યા. જો કે બધા અધિકારીઓના પાના ખુલ્લા જ હોય છે પણ વંચાય ત્યારે જાહેર થાય છે. આવું જ બન્યું રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે. ગોવિંદ પટેલના આદેશનો આઇપીએસે અનાદર કર્યો એટલે ખાખીની સામે નેતાજીએ રીતસત ભ્રષ્ટાચારનું બ્યુગલ ફૂંકી દીધું. જો કે, 2022 વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોઈ નેતા ભ્રષ્ટાચારનો લેટર બૉમ્બ ફોડે તો નવાઈ નથી. કેમ કે હવે ચૂંટણી આવી રહી છે એટલે અધિકારીઓના ખભાનો ઉપયોગ થશે અને નેતાઓને લાભ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે