Face Of Nation:નાસાએ અંતરિક્ષ યાત્રીઓને ફ્રેશ ખાવાનું આપવાની તૈયારી કરી લીધી છે. નાસાએ તેના માટે એક સ્પેશલ ઓવન સ્પેસ સ્ટેશન પર મોકલ્યું છે. મળતી માહિતી મુજબ આ ઓવનમાં અંતરિક્ષ યાત્રી બિસ્કિટ બનાવશે.
અત્યાર સુધી યાત્રી અંતરિક્ષમાં જતાં પહેલા ડીહાઇડ્રેટેડ કે રાંધેલું ભોજન લઈને જતા હતા. આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ વર્ષના અંત સુધી સ્પેસમાં અંતરિક્ષ યાત્રી બિસ્કિટ બનાવી શકશે. નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી માઇક મૈસિમિનોએ જાણકારી આપતા કહ્યું કે અમે જોવા માંગીએ છીએ કે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં બિસ્કિટને બેક કરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.
આ ઓવનને ઝીરો જી કિચન અને ડબલટ્રી બોય હિલ્ટન કંપનીએ મળીને તૈયાર કર્યુ છે. આ ઓવનને જોઈએ તો તે એક વેલણ આકારનું કન્ટેનર જેવું દેખાય છે. આ ડિઝાઈનને જાણી જોઈને આવી તૈયાર કરવામાં આવી છે, જેનાથી માઇક્રોગ્રેવિટીમાં ખાવાની વસ્તુઓને સેકવામાં મદદ મળી શકે. અંતરિક્ષનું વાતાવરણ પૃથ્વી જેવું બિલકુલ નથી.
સ્પેસ સ્ટેશનમાં પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કરવા માટે કૃત્રિમ વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. એ જાણવું રોમાંચક હશે કે માઇક્રોગ્રેવિટીમાં બિસ્કિટ કેવી રીતે બનાવાશે. મૈસિમિનોએ કહ્યું કે ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશનમાં બનાવેલા બિસ્કિટ ખાઈ શકશે. તેઓએ કહ્યું કે હજુ તો અમે એ વાતની જાણકારી નથી કે અંતરિક્ષમાં બિસ્કિટ એકવારમાં જ બની શકે કે નહીં પરંતુ તેની સુગંધ ખૂબ જ રોમાંચક હશે.
તેઓએ કહ્યું કે અંતરિક્ષમાં બિસ્કિટ બનાવવા માત્ર આનંદ લેવા માટે નથી. અમે જોવા માંગીએ છીએ કે માઇક્રોગ્રેવિટીમાં ઓવન કેવી રીતે કામ કરે છે. બિસ્કિટને ઓવનમાં સેકવા, તેનો આકાર અને સ્વાદ કેવો હશે? વૈજ્ઞાનિકોએ કહ્યું કે પૃથ્વી પર બનતાં કુકીજ અને સ્પેસમાં બનેલા કુકીજમાં કંઈક ફરક ચોક્કસ હશે.