મોટા ભાગની જમીન સંપાદનની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા
Face Of Nation:અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા ભારતની સાથે જાપાન સરકાર પણ પ્રયત્નશીલ છે. ભારત અને જાપાન વચ્ચે થયેલી સમજૂતિ મુજબ જાપાન ભારતને 24 બુલેટ ટ્રેન ભારતને આપશે જેમાંથી 6 બુલેટ ટ્રેન મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ તૈયાર (એસેમ્બલ) કરવામાં આવશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જાપાન સરકારના સહયોગથી 1.10 લાખ કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેમાંથી 81 ટકા હિસ્સો જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જાયકા) આપશે શે જ્યારે બાકીનો 19 ટકા એટલે કે લગભગ 20500 કરોડનો ખર્ચ ભારત સરકાર કરશે જેમાંથી બુલેટ ટ્રેનના કોચ તૈયાર કરાશે. એનએચએસઆરસીએલના અધિકારીઓએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી મોટાભાગની જમીન સંપાદનની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે.
જાપાનના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે પ્રોજેક્ટની સમીક્ષા કરી
જાપાનના ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ વિભાગના વાઈસ મિનિસ્ટર મસાશી અડાચીએ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 11 અને 12 વચ્ચે તૈયાર થનારા બુલેટ ટ્રેનના સ્ટેશન સ્થળની મુલાકાત લેવાની સાથે બુલેટ ટ્રેન સ્ટેશન સાથે રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને જોડતા માળખા અંગે તેમજ સાબરમતી ખાતે તૈયાર થનારા સ્ટેશનની માહિતી મેળવી હતી. આ અગાઉ સવારે તેમણે વડોદરા સ્ટેશન પાસે તૈયાર થનાર હાઈસ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટટ્યૂટની સાઈટ વિઝિટ કરી હતી. ત્યારબાદ સ્ટેશન સ્થળ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 6-7ને જોડવા તૈયાર થનારા બ્રિજ સ્થળ તપાસ કરી હતી.