લગ્ન સહિતના સામાજિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમોમાં લોકોની સંખ્યામાં વધારો કરાશે
રાજ્ય સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે
નવા કેસમાં ઘટાડો થતાં કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને નિયંત્રણોમાં રાહત આપવા જણાવ્યું
નિયંત્રણો દૂર થયા બાદ પણ રોજેરોજ મોનિટરિંગ કરવું પડશે: કેન્દ્ર સરકારની તાકીદ
Face of Nation 17-02-2022 : ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે તેવી ભલામણ કરી છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકારની હાલની ગાઇડલાઇન્સ 18મીએ પૂર્ણ થઇ રહી છે ત્યારે ગુરુવારે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકાર નવી ગાઇડલાઇન્સ જારી કરશે. માસ્કનો દંડ દૂર કરવા અંગે પણ ચર્ચા થાય એવી શક્યતા છે.
રાજ્યમાં કોરોના દૈનિક કેસો 1 હજારની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે. બીજી તરફ, રસીકરણ પણ 10 કરોડ ડોઝને પાર થઇ ગયું છે ત્યારે વધારાનાં તમામ નિયંત્રણો દૂર થઇ શકે છે. સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલો બાદ બાલમંદિર અને કેજીની સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે વ્યાપારિક ગતિવિધિઓ અને અન્ય નિયંત્રણો પણ દૂર થશે. હોટલ- રેસ્ટોરન્ટ હાલ 75 ટકા ક્ષમતા સાથે મંજૂરી અપાઇ છે, એ દૂર કરીને 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાય એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. આ જ રીતે બસોમાં મુસાફરોની હાલની 75 ટકાની મર્યાદા દૂર થશે. સિનેમા હોલ, જિમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, કોચિંગ સેન્ટરો, ઓડિટોરિયમ અને મનોરંજક સ્થળોએ પણ હાલ 50 ટકાની મર્યાદા છે, એ દૂર કરવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્ર સરકારે લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવા કરી શકે છે, પરંતુ કોરોનાના દૈનિક કેસો પર રોજેરોજ મોનિટરિંગ કરવાનું રહેશે અને જો સંક્રમણનો ગ્રાફ વધતો જણાય તો ફરી નિયંત્રણો લાગુ કરવા અંગે વિચારણા કરવાની રહેશે.
મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દૂર થવાની શક્યતા નહિવત્
રાજ્ય સરકારે ગત અઠવાડિયે વધારાનાં 19 શહેરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે, જ્યારે હાલ માત્ર 8 મહાનગરમાં રાત્રે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ છે, જેની સમીક્ષા થશે, પરંતુ હાલ કર્ફ્યૂ ઉઠાવી લેવાય તેવી શક્યતા ઓછી છે.
આજે આ રાહતો મળી શકે છે
વ્યાપારિક ગતિવિધિઓ, અન્ય નિયંત્રણો પણ દૂર થવાની સંભાવના.
હોટલ- રેસ્ટોરન્ટ હાલ 75% ક્ષમતા સાથે મંજૂરી અપાઇ છે, એ દૂર કરીને 100% ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાય એવી શક્યતા
બસોમાં મુસાફરોની હાલની 75%ની મર્યાદા દૂર થશે.
સિનેમા હોલ, જિમ, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, કોચિંગ સેન્ટરો, ઓડિટોરિયમ અને મનોરંજક સ્થળોની મર્યાદા દૂર થઈ શકે છે.
કેન્દ્રએ કહ્યું- વધારાની પાબંદીઓ દૂર કરો
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકારે સંક્રમણનો ફેલાવો રોકવા માટે રાજ્યોમાં લાગુ કરાયેલાં વધારાનાં નિયંત્રણો દૂર કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે આ સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે દેશમાં ગત 21 જાન્યુઆરીથી નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત સપ્તાહે સરેરાશ દૈનિક 50,476 કેસ આવતા હતા. ગત 24 કલાકમાં 27,409 નવા કેસ આવ્યા છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 15 ફેબ્રુઆરીએ ઘટીને 3.63% થઈ ગઈ છે.
ગુજરાતમાં 24 કલાકમાં 884 નવા કેસ, 13નાં મોત
રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 884 કેસ નોંધાયા છે તથા વધુ 13 દર્દીનાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ સત્તાવાર કેસ વધીને 12,18,212 તથા કુલ મોત 10,851 થયા છે. નવા કેસ કરતાં ત્રણ ગણા વધુ એટલે કે 2,688 દર્દી સાજા થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 317 કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરામાં 202, સુરતમાં 53, ગાંધીનગરમાં 42 અને રાજકોટમાં 29 કેસ નોંધાયા હતા. વડોદરામાં સૌથી વધુ 6 દર્દીનાં મોત થયાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).