ભયજનક સપાટી પહોંચતા બંધ કરાશે
Face Of Nation:સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની મંદગતિ બાદ રાતે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ઉધના, રાંદેર અને અઠવા ઝોનમાં માત્ર 2 કલાકની અંદર જ દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ રાંદેર, અઠવા, ઉધના ઝોનના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. સુરત સિટી અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિયર કમ કોઝવેની સપાટી 5.65 મીટર પહોંચી છે. અને 6 મીટર ભયજનક સપાટી છે.
રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો
ગત રોજથી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં શહેર પાણીપાણી થઇ ગયું હતું. જેને લઇ વાહન વ્યવહાર પણ મંદ પડ્યો હતો. કોઇએ જગ્યાએ ટ્રાફિક જામ થતો તો કોઇ જગ્યાએ રસ્તામાં પાણી ભરાઇ જતાં બાઇક ચાલકોને નીકળવાનું જ મુશ્કેલ થઇ ગયું હતું. તેમજ કેટલીક જગ્યાએ કાર સહિતના વાહનો ફસાયા હતા.
ઉકાઈ ડેમની સપાટી 275.84 ફૂટ
સુરત જિલ્લા બારડોલીમાં 33 મીમી, માંગરોળમાં 70 મીમી, પલસાણામાં 45 મીમી, ઉમરપાડામાં 53 મીમી વરસાદ વરસ્યો હતો. સોમવારે પણ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. આજે વિયર કમ કોઝવેની સપાટી 5.65 મીટર અને ઉકાઇ ડેમની સપાટી 275.84 ફૂટ નોંધાઇ હતી.
ઝોન વાઈઝ વરસાદ
શહેરમાં ઝોન પ્રમાણે 24 કલાકમાં સેન્ટ્રલમાં 14 મિમિ, વરાછામાં 10 મિમિ, કતારગામમાં 4 મિમિ, ઉધનામાં 61 મિમિ, લિંબાયતમાં 2 મિમિ, અઠવામાં 37 મિમિ વરસાદ નોંધાયો હતો.