Face Of Nation 06-03-2022 : શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે “ભિક્ષા નહીં શિક્ષા” પ્રોજેકટની આજથી શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને સુપ્રિમ કોર્ટ જજ એમ.આર શાહ અને ભાજપના નેતાઓએ સિગ્નલ સ્કૂલ બસોને ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી સિગ્નલ સ્કૂલ બસમાં જઈ અને બાળકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે અને કેવી રીતે અભ્યાસ કરશે તેની પણ માહિતી મેળવી હતી.
કલાસરૂમમા જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવાશે
રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો ચલાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાંથી રૂ. 35 કરોડ ફાળવી અને 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ 139 બાળકોને સ્કૂલના કલાસરૂમમા જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવશે.
સવારે 10થી 1 વાગ્યા સુધી શિક્ષણ આપવામાં આવશે
રોડ પર ભિક્ષા માગતા બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ સિગ્નલ સ્કૂલ બસ બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે. શહેરના અલગ અલગ ચાર રસ્તા પરના સિગ્નલ પરથી સવારે બાળકોને સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં માટે બસમાં બેસાડવામાં આવશે. એક નક્કી કરેલી જગ્યા પર બસ ઉભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે. સવારે 10થી 1 વાગ્યા સુધી એમ ચાર કલાક શિક્ષણ આપવામાં આવશે. તૈયાર કરવામા આવેલી આ સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.
સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન
બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, પડદા, મીની પંખા, મનોરંજનના સાધનો, બારાખડી અને 1થી 10ના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે. ખાનગી સ્કૂલના ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતા હોય તેવો કલાસરૂમ બસમાં તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).