Home News ભાવનગરમાં SGSTના દરોડા,250 કરોડના વ્યવહારો પકડાયા,તો 14 પેઢીઓ બોગસ બિલિંગ પ્રવૃત્તિમાં સામેલ...

ભાવનગરમાં SGSTના દરોડા,250 કરોડના વ્યવહારો પકડાયા,તો 14 પેઢીઓ બોગસ બિલિંગ પ્રવૃત્તિમાં સામેલ હોવાનું ખુલ્યુ

Face Of Nation:રાજકોટ:GSTના અમલીકરણને બે વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હજુપણ તેમાં રહેલા છીંડાઓનો ઉપયોગ કરી અને ભેજાબાજો દ્વારા સરકારી કરવેરાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ અંગે 17 જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાંથી 10 પેઢીઓમાંથી 250 કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યુ હોવાનું તંત્રને માલુમ પડ્યુ છે. જ્યારે 6 વ્યક્તિઓ ફરાર થઇ ગઇ હોવાથી તેઓની શોધખોળ તંત્ર દ્વારા યથાવત્ રાખવામાં આવી છે. આ સાથે જ મોરબીમાં જે પેઢીઓમાં GSTએ તપાસ કરી તે તમામ બોગસ નીકળી હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરમાં 250 કરોડના ટર્નઓવર શંકાસ્પદ રીતે મળી આવ્યા
ફ્લેમિંગો ઇમ્પેક્સ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, ઓમેગા એક્ઝિમ, શ્રીરામ એન્ટરપ્રાઇઝ, રોયલ એન્ટરપ્રાઇઝ, આસિફ એન્ડ અસિમ મરિન, સેવન સ્ટાર એન્ટપ્રાઇઝ, એસ.આર.કોર્પોરેશન, ખોડલ એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડના ટર્નઓવર શંકાસ્પદ રીતે મળી આવ્યા છે, આ અંગે તંત્ર દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકિલ કોર્પોરેશન, એસ.એમ.એન્ટરપ્રાઇઝ, એ.ડી.એન્ટરપ્રાઇઝ, પ્રિતેશ રજનીકાંત બોગસ બિલિંગ કરી રહ્યા હોવાનું જીએસટીઆર રીટર્ન ફાઇલિંગ પરથી ફલિત થયુ છે. પરંતુ તેઓની સ્થળ ચકાસણી દરમિયાન મળી આવ્યા ન હતા અને તેઓની શોધખોળ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યુ હતુ. જ્યારે કિરીટકુમાર દેવશીભાઇ લાખાણી, હિરેનભાઇ હસમુખભાઇ જોષી, ભોપાભાઇ વાઘજીભાઇ સાંબડએ ડાયમંડ કટિંગ માટે જીએસટી નંબર લીધો હોવાનું અને ચકાસણીમાં આ ત્રણ પેઢીઓના ચોપડા નિયમીત હોવાનું ફલિત થયું હતુ.સમગ્ર તપાસ દરમિયાન બોગસ બિલિંગમા મળી આવેલા વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ જેના નામે નંબર મેળવેલા છે તેઓના એફિડેવિટ લેવામાં આવ્યા છે અને તેઓએ કબૂલ્યુ હતુ કે, તેઓના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જીએસટી અંગે પણ તેઓ કશું જાણતા નથી.

મોરબીની તમામ પેઢી બોગસ નીકળી
શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 95 સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ તપાસના અનુસંધાને રાજકોટ,મોરબી,ગાંધીધામ અને ભાવનગરની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મોટાભાગની તપાસ સોમવારે પૂરી થઈ છે.જેમાં જાણવા મળ્યું છે કે, મોરબીની તમામ પેઢી બોગસ નીકળી છે. સૌરાષ્ટ્રમાં જેને ત્યાં તપાસ કરવામાં આવી છે તેને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે. મોરબી અને રાજકોટની તમામ પેઢી સિરામિકના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તો ગાંધીધામની પેઢી અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલી છે.