Home Gujarat પરીક્ષા કરતા રાજનીતિ વધુ મહત્વની; સાલ કોલેજમાં એન્જિનિયરિંગ પરીક્ષા મોકૂફ કરીને વિદ્યાર્થીઓને...

પરીક્ષા કરતા રાજનીતિ વધુ મહત્વની; સાલ કોલેજમાં એન્જિનિયરિંગ પરીક્ષા મોકૂફ કરીને વિદ્યાર્થીઓને રોડ શોમાં લવાયા!

Face Of Nation 11-03-2022 : પ્રધાનમંત્રી મોદીનો આજે 9 કિમીનો રોડ શો હતો જેમાં ભીડ ભેગી કરવાની જવાબદારી ભાજપની હતી. ત્યારે અંત સમયે ભીડ ભેગી ના થતા કોલેજના વિદ્યાર્થીઓને પણ રોડ શોમાં ભીડ ભેગી કરવા લાવવામાં આવ્યા હતા. સાલ કોલેજમાં એન્જિનિયરિંગની પરીક્ષા મોકૂફ કરીને વિદ્યાર્થીઓને રોડ શોમાં લાવવામાં આવ્યા હતા.
કોલેજ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા કરતા રાજનીતિ વધુ મહત્વની છે
સાલ એન્જિનિયરિંગ કોલેજમાં આજે 11 વાગે એન્જિનિયરિંગની પરીક્ષા હતી. પરંતુ પ્રધાનમંત્રીના રોડ શોના કારણે અનેક રોડ બંધ હોવાથી વિદ્યાર્થીઓ 11 વાગે ના પહોંચી શકે તેથી પરીક્ષા 9 વાગે રાખવામાં આવી હતી. પરંતુ 9 વાગે વિદ્યાર્થીઓ આવ્યા હોવા છતાં કોલેજે પરીક્ષા મોકૂફ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીના રોડ શોમાં લાવવામાં આવ્યા હતા. એટલે કે કોલેજ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા કરતા રાજનીતિ વધુ મહત્વની છે. આ અંગે NSUIના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ભણવા આવે છે છતાં તેમની પરીક્ષા રદ કરીને રાજનીતિક રેલીમાં લઈ જવામાં આવી રહ્યા છે. કોલેજ પણ હવે સરકારની થઈ હોય તેવું લાગી રહ્યું છે. અમે આગામી દિવસમાં આ મામલે કોલેજ વિરુદ્ધમાં આંદોલન પણ કરીશું.
વિદ્યાર્થીઓ રસ્તા બંધ હોવાથી આવી ન શકે તે માટે પરીક્ષા મોકૂફ રાખી
આ અંગે કોલેજના પ્રિન્સિપાલ રૂપેશ વસાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ રસ્તા બંધ હોવાથી આવી ન શકે તે માટે પરીક્ષા મોકૂફ રાખી છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ નહોતા ગયા. 9 વાગે પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો પરંતુ વિદ્યાર્થીઓ આવ્યા નહોતા જેથી પરીક્ષા મોકૂફ રાખીને 2 દિવસ પછી લેવામાં આવશે.