Face Of Nation 15-03-2022 : કૂવામાં રહેલા દેડકાઓ જેમ વરસાદ ટાણે બહાર દેખાય તેમ સમાજપ્રેમ કે સમાજ સુધારણાની વાતો કરનારાઓ જાહેરમાં આવે ત્યારે સમજી લેવું કે ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર સમાજ સહિત અનેક સમાજમાં એવા લોકો છે કે જેઓ સમાજને જાણે કે પોતાના હાથની કઠપૂતળી અને પોતાની બાપીકી જાગીર સમજી બેઠા છે અને ચૂંટણી ટાણે જાહેરમાં આવીને સમાજના નામે નિવેદનો આપી રાજકીય રોટલાઓ શેકવાનું શરૂ કરી દેવામાં આવે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જાતિવાદનું રાજકારણ ચરમસીમાએ છે. લોકો સમાજના નામે રાજકીય રોટલા શેકી પોતાનું ગુજરાન ચલાવવાની એક અનોખી આવડત ધરાવે છે. સમાજને ખભે હથિયાર રાખીને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા કહેવાતા સમાજ સેવકો મેદાને ઉતરી પડે છે. જો કે હવે સમાજે જાગૃત થઈને આવા લોકોને ઘરનો રસ્તો દેખાડવો વધુ હિતાવહ બન્યો છે. કેમ કે, સમાજના નામે રાજકારણ ખેલતા લોકોની અપેક્ષા પુરી થાય છે અને ભોગવવાનું સમાજને આવે છે. ચાહે આંદોલન હોય, વિરોધ પ્રદર્શન હોય કે કોઈ પણ સામાજિક માંગણી હોય. હાલ જેમ પાટીદાર નેતાના નામે ખોડલધામના નરેશ પટેલ મેદાને આવ્યા છે તેમ અગાઉ હાર્દિક પટેલ, લાલજી પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના અનેક લોકો પણ આવ્યા હતા. જેમણે સમાજને ખભા તરીકે ઉપયોગ કરીને પોતાની મેલી મંથરાવટી પાર પાડી લીધી. સમાજને આંદોલનના રવાડે ચઢાવી સરકારને ઘેરી અને પોતે માલામાલ થઈને રાજકીય પ્રતિષ્ઠા તળે શાંતિથી બેસી ગયા. આવા લોકોની હાકલથી આગળ વધનારાઓએ ચેતી જવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કેમ કે, આંદોલન અને આવા નેતાઓના ઈશારે રસ્તે ઉતરી જનાર સમાજ તેમના યુવાનોને ગુમાવી બેસે છે. આંદોલનોમાં અનેક યુવાનોના જીવ ગયા હોવાના દાખલાઓ છે. પાટીદાર અનામત આંદોલન સૌથી શ્રેષ્ટ ઉદાહરણ છે. જેથી આવા નેતાઓની કરતૂતો ઉઘાડી પાડી તેમનાથી દૂર રહેવામાં જ સમાજની ભલાઈ હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).