Face Of Nation 16-03-2022 : ગુજરાતના 500થી વધુ માછીમારો હજુ પણ પાકિસ્તાની જેલમાં બંધ છે, ગુજરાત સરકારે બુધવારે ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ખુલાસો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશના લેખિત પ્રશ્નના જવાબમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી બ્રિજેશ મેરજાએ ગૃહને માહિતી આપી હતી કે, ડિસેમ્બર 2021 સુધીમાં રાજ્યના કુલ 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 358ની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2020માં 163 અને 2021માં 195 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારે પરિવારોને 6.58 કરોડની આર્થિક સહાય
મંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર આ માછીમારોને મુક્ત કરાવવાના પ્રયાસો કરી રહી છે, અને તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી બાદ આગળની કાર્યવાહી માટે જરૂરી દસ્તાવેજી પુરાવા ગૃહ મંત્રાલયને સુપરત કર્યા છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે માછીમારોના પરિવારોને 6.58 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. નોંધનીય છે કે,ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બોર્ડર લાઇન ઓળંગ્યા બાદ અનેક વખત પકડી લેવામાં આવે છે.
માછીમારોને છોડાવવા માટે 18 વખત પત્ર લખ્યો
પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાના આ માછીમારો ભૂલથી અરબી સમુદ્રમાં દરિયાઈ સરહદ ઓળંગી જાય તો પાકિસ્તાનની જેલમાં પહોંચી જાય છે. સરકારે તે વિશે કહ્યું કે, રાજ્ય સરકાર જાગૃતિ કાર્યક્રમો ચલાવી રહી છે અને માછીમારોને જ્યારે તેઓ IMBL ની નજીક આવે ત્યારે તેમને ચેતવણી આપવા માટે GPS સેટ કરવામાં મદદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે પાકિસ્તાની જેલોમાંથી માછીમારોને છોડાવવા માટે 18 વખત પત્ર લખ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).