Home Uncategorized બિલ્ડરો સાથેની વર્તણુકને લઈને CM સુધી ફરિયાદો પહોંચી અને 24 કલાકમાં બે...

બિલ્ડરો સાથેની વર્તણુકને લઈને CM સુધી ફરિયાદો પહોંચી અને 24 કલાકમાં બે વાર સોલા પીઆઇની બદલી થઇ

Face Of Nation 31-03-2022 : પોતાની કાર્યશૈલીને લઈને હંમેશા ચર્ચામાં રહેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાની 24 કલાકમાં બે વાર બદલીઓ થતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. જાડેજાની વર્તણુંક જ એ બાબતની સાક્ષી પુરી રહી હતી કે, જાડેજા ભાજપ પ્રેમી છે અને સત્તાના આદેશનું પાલન કરવામાં તેઓ ક્યારેય પાછી પાની કરતા નથી પરંતુ સત્તામાં ભલે પક્ષ એક જ હોય પણ તેનું સુકાન ક્યારેય કોઈ એકના હાથમાં રહ્યું નથી કે રહેવાનું નથી આ વાત કદાચ જાડેજા ભૂલી ગયા. પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ત્યારે એવી પણ વાતો વહેતી થઇ હતી કે, પીઆઇ જાડેજા પ્રદીપસિંહના સગા છે. જો કે આ વાત તદ્દન પાયાવિહોણી હતી. જાડેજા હોવાથી કાંઈ કોઈ સગાવ્હાલા નથી બની જતા હોતા પણ પોલીસ સ્ટાફમાં મોટાભાગના બધાને એમ હતું કે, પીઆઇ જાડેજા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહના સગા છે. ખેર ! હાલ તો આ પીઆઇની બદલી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. પહેલા અમદાવાદ પીસીબીમાં અને ત્યારબાદ 24 કલાકની અંદર જ કોર્ટ એટેચમેન્ટ પીઆઇ તરીકે બદલી કરવામાં આવતા સૌને આશ્વર્ય થયું છે.
પીસીબી પીઆઇ બનતા જ શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઇ ગયો હતો ત્યારે પીઆઇ જાડેજાને ખબર જ નહોતી કે પીસીબી પીઆઇની ખુરશી ઉપર બેસવા પણ મળવાનું નથી અથવા તો 24 કલાક પુરા નહીં થાય અને બદલી નક્કી છે. પીસીબી પીઆઈનો હુકમ થતાની સાથે જ ગાંધીનગરથી હુકમ છૂટ્યો અને ફરીથી આ પીઆઇને કોર્ટ એટેચમેન્ટ પીઆઇ તરીકે બદલી કરી દેવામાં આવી. જેનું મુખ્ય કારણ પીઆઈએ કરેલી કામગીરી છે. સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ હતા તે દરમ્યાન કેટલાક બિલ્ડરો સાથે થયેલા વ્યવહારની અસર ગાંધીનગર સુધી ફરિયાદ સ્વરૂપે પહોંચી હતી અને તેના પરિણામના ભાગરૂપે તેમની બદલી કરવામાં આવી હતી. કહેવાય છે કે, પોલીસ સ્ટેશનથી માંડીને પીસીબી સુધીની બદલીઓમાં વહીવટ કરવો પડે છે અને તેના ભાવો બોલાય છે. જાડેજાની પીસીબીમાં બદલી એમનેમ થાય તે વાતમાં દમ નથી. હા ! શરતચુક કે ભૂલથી કોઈ હુકમ થાય તો નવાઈ ન કહી શકાય.
જાડેજા જે વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા તે વિસ્તાર એટલે કે સોલામાં મોટાભાગે રાજકીય અને આઇપીએસ અધિકારીઓ રહે છે. સાયન્સ સીટી વિસ્તાર સોલા પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે. આ વિસ્તારમાં રાજકીય અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કો તથા પૈસાના રોકાણો ધરાવતા બિલ્ડરો પણ રહે છે. આ બિલ્ડરોએ ખરીદેલી જમીનો ખાલી કરાવવા ક્યારેક પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેવું જ સાયન્સ સીટી વિસ્તારમાં બન્યું હતું. એક બિલ્ડરે તેની જમીન મામલે સોલા પીઆઈનો સંપર્ક કર્યો હતો અને પીઆઈ સાથે મનભેદ થતા ઉચ્ચ સ્તર સુધી તેમની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ એક પછી એક બિલ્ડરોની વધી ગઈ હતી. જો કે ફરિયાદો કમિશનર કે ડીજીપી સુધી નહિ પરંતુ સીએમ સુધી સીધી પહોંચી હતી જેની ગંભીરતા લઈને સીએમ કાર્યાલયથી આ પીઆઇની બદલી કરવાનું ફરમાન છૂટ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).