Face Of Nation 05-04-2022 : અમદાવાદની ઉદગમ સ્કૂલ ફરી ચર્ચામાં આવી છે. ઉદગમ સ્કૂલના સંચાલકોએ ફરી નિયમોને નેવે મૂકીને એક મનસ્વી નિર્ણય લેતા વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આજે થલતેજની ઉદગમ સ્કૂલ સંચાલકોએ ધો-1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. જ્યારે ધો-6 થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ છે. તેમજ ધો-12ના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે.તો બીજીતરફ ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીઓને થયેલી સમસ્યા અંગે વાલીઓ રજૂઆત કરવા સ્કૂલે પહોંચ્યા છે. પરંતુ વાલીઓ સ્કૂલ પર પહોંચે એ પહેલાં જ દરવાજા પર બાઉન્સર ગોઠવી દેવાયા હતા. વાલીઓએ સંચાલકોને મળવા માટે રજુઆત કરી હતી. ત્યારે બાઉન્સરો દ્વારા વાલીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકવાયા હતા.
સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર
વારંવાર ઉદગમ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર બની રહ્યું છે. તે સવાલ એવા ઉભા થાય છે કે ઉદગમ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર કેમ છે? કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરતી નથી? શું શિક્ષણ વિભાગ કોઈ દબાણ હેઠળ છે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
ટ્રાન્સ્પોર્ટેશનમાં સમસ્યા સર્જાતા આપી રજા
આમ ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. મહત્વનું છે કે, ઉદગમ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. ગઈકાલે (સોમવાર) ટ્રાન્સપોર્ટેશન મામલે થયેલી સમસ્યા બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપતા વાલીઓ સ્કૂલની મનમાની સામે રોષે ભરાયા છે.
ઉદગમ સ્કૂલ દ્વારા કોઇ મંજૂરી નથી લેવાઇઃ DEO
તમને જણાવી દઈએ કે કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે, તેમ છતાં નિયમોને ઘોળીને પી જઈને ઉદગમ સ્કૂલે જાતે જ મનસ્વી નિર્ણય લઈ લીધો છે. આ ઘટના વિશે અમદાવાદ શહેર DEO એ જણાવ્યું છે કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, પરંતુ આવી કોઈ મંજુરી સંચાલકો દ્વારા લેવાઈ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat વાલીઓમાં રોષ: થલતેજની ઉદગમ સ્કૂલની ફરી દાદાગિરી; નિયમ વિરુદ્ધ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને...