Face Of Nation:નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20 માટે બજેટ રજૂ કર્યુ હતું. સત્તાપક્ષે બજેટની પ્રશંસા કરી હતી અને તેને ન્યૂ ઇન્ડિયાનું બજેટ ગણાવ્યું હતું. બીજી તરફ વિપક્ષી પાર્ટી કોગ્રેસે આ બજેટને નવી બોટલમાં જૂનો દારૂ ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ બજેટને ભારતને પાવરહાઉસ બનાવનારુ અને 21મી સદીના સપનાઓ પુરા કરનારુ ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે લોકોના જીવનમાં નવી આશાઓ અને ખૂબ સારી આકાંક્ષાઓ છે. આ બજેટ લોકોને એ વિશ્વાસ અપાવે છે કે દિશા યોગ્ય હોય અને એટલા માટે લક્ષ્ય સુધી પહોંચવું પણ યોગ્ય છે. આ બજેટ 21મી સદીના ભારતના સપનાઓને પુરા કરનારું છે. આ બજેટ 2022 એટલે કે આઝાદીના 75મા વર્ષ માટે નિર્ધારિત સંકલ્પોને પુરા કરવા માટેનો માર્ગ બનાવશે.
બીજી તરફ કોગ્રેસે આ બજેટની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ બજેટમાં નવુ કાંઇ નથી. લોકસભામા કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બજેટમાં કાંઇ નવુ નથી. તેમાં જૂના વચનોને ફરી કહેવામાં આવ્યા છે. તે ન્યૂ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે પરંતુ બજેટ નવી બોટલમાં જૂનો દારૂ છે. રોજગારી ઉભી કરવા માટે કોઇ યોજના નથી.