Home Gujarat 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો; આજે 7 જિલ્લામાં ઓરેન્જ...

10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો; આજે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં “યલો એલર્ટ”!

Face Of Nation 09-04-2022 : રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ એટલે કે તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાઈ હતી.
10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો
અમદાવાદમાં 44 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ સર્જવાના મૂડમાં હોય તેમ જણાય છે. છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 43ને પાર કરી ગયો
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ અને સૂકા પવન જમીન સ્તરથી નજીકથી પસાર થતાં હોઇ ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. માથું ફાડી નાખે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 2017 બાદ એટલે કે છેલ્લા ચાર વર્ષ બાદ ફરી રેકોર્ડ ગરમી નોંધાઇ છે. હજુ બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા હવામાન વિભાગે આપી છે.
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવ
ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને ઔપાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.
પાંચ દિવસ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હીટવેવ
દિલ્હી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. રાજસ્થાનમાં હટવેવનો પ્રકોપ ચાલુ રહેતા ઝાલોર 45.2 ડિગ્રી સેલ્શિયસ તાપમાનનાં શેકાયું હતું. આગામી પાંચ દિવસ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે કેટલાક વિસ્તારોમાં 41થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાડમેરમાં વધુમાં વધુ 44.9 અને જેસલમેરમાં 44.8 ડિગ્રી ગરમી પડી હતી. શ્રીગંગાનગરમાં 44.3 તેમજ ચુરૂમાં 43.2 ડિગ્રીએ પારો રહ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).