Home Uncategorized ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ; દેશમાં 9 દિવસ...

ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ; દેશમાં 9 દિવસ ચાલે એટલો જ કોલસો!

Face Of Nation 15-04-2022 : ગરમી વધતા જ દેશમાં વીજ સંકટ વધી ગયું છે. તેનું કારણ છે કોલસાની અછત. વીજ કાપના કારણે ઉદ્યોગો પણ પ્રભાવિત થવાની શક્યતા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે એવું લાગે છે કે વીજ સંકટ આ સુધારા પર બ્રેક લાવી શકે છે. માનવામાં આવે છે કે, આગામી સમયમાં ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ ઉભું થઈ શકે છે. હવે કેન્દ્ર સરકારે પણ કોલસાની અછતની વાત સ્વીકારી લીધી છે. જોકે સરકારનું કહેવું છે કે, યુપી, પંજાબમાં કોલસાની અછત નથી, જ્યારે આંધ્ર, રાજસ્થાન, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોલસાની અછત ચોક્કસ દેખાય છે. બીજીતરફ એપ્રિલની શરૂઆતમાં જ ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ દેખાવા લાગ્યો છે. આ રાજ્યોમાં ગરમી સામાન્ય કરતા વધારે થઈ ગઈ છે. વધતી ગરમીના કારણે વીજળીની માંગ પણ વધી છે. એક અંદાજ પ્રમાણે માર્ચ 2023 સુધી વીજળીની માંગમાં 15.2 ટકાનો વધારો થઈ શકે છે. આ માંગને પહોંચી વળવા માટે કોલસાથી ચાલતા પ્લાન્ટ્સમાં ઉત્પાદન 17.6 ટકા વધવું જરૂરી છે.
રાજ્યોમાં કોલસાની અછતના અલગ અલગ કારણો!
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહને જ્યારે કોલસાની અછત વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પંજાબ અને યુપીમાં કોલસાની અછત નથી. જ્યારે આંધ્ર, રાજસ્થાન, તમિલનાડુમાં કોલસાની અછત છે. તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં કોલસાની અછતના અલગ અલગ કારણો છે. તમિલનાડુ આયાત કરેલા કોલસા પર નિર્ભર છે. પરંતું છેલ્લાં કેટલાક દિવસોથી કોલસાની આયાતના ભાવ વધારે છે તેથી કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને તેમની જરૂરનો કોલસો જાતે આયાત કરવા કહ્યું છે. બીજી બાજુ આંધ્રમાં પણ કોલસાનું સંકટ છે. અહીં રેલવેથી કોલસો પહોંચાડવામાં વાર લાગી રહી છે. તે સિવાય આંધ્ર પ્રદેશના કોલ પ્લાન્ટમાં વિસ્ફોટકની અછત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધના કારણે વિસ્ફોટકની અછત થઈ છે.
9 દિવસનું રિઝર્વ વધ્યું છે
ઉર્જામંત્રીએ વધુમાં કહ્યું છે કે, દેશમાં કોલસાની માંગ ઝડપથી વધી રહી છે. માંગ કુલ ડિમાન્ડના 9% વધી છે. આ વર્ષે જેટલી ઝડપથી ડિમાન્ડ વધી છે તેવું પહેલાં કદી નથી થયું. દેશમાં કોલસાના સ્ટોકમાં ઘટાડો થયો છે. આજથી દેશમાં કોલસાનો સ્ટોક 9 દિવસનો જ વધ્યો છે. આ રેશિયો પહેલાં 14-15 દિવસનો રહેતો હતો. એ વાત સાચી છે કે, જેટલી ઝડપથી ડિમાન્ડ વધી છે તેટલી ઝડપથી સપ્લાય નથી વધ્યો.
કયા રાજ્યોએ વીજ સંકટનો સામનો કરવો પડશે?
આ સંકટની અસર આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશમાં ઓટોમોબાઈલથી લઈને દવા કંપનીઓના પ્લાન્ટમાં જરૂરિયાતની સામે 8.7 ટકા સ્ટોક ઓછો છે. તેના કારણે વીજ કાપ વધ્યો છે. પાવર પ્લાન્ટ્સ પાસે એક એપ્રિલે માત્ર 9 દિવસના વપરાશ જેટલો કોલસાનો સ્ટોક વધ્યો છે. જ્યારે ગાઈડ લાઈન પ્રમાણે આ સ્ટોક 24 દિવસનો હોવો જોઈએ.
દેશના 12 રાજ્યોમાં વીજસંકટ ઉભું થવાની શક્યતા
કયા રાજ્યોમાં વીજ સંકટની સ્થિતિ છે?
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, તેલંગાણા, મધ્ય પ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વીજ સંકટ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં 21થી 22 હજાર મેગાવોટ વીજળીની માંગ છે. જ્યારે માત્ર 19થી 20 હજાર મેગાવોટ વીજળીનો સ્ટોક છે. રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ અનપરામાં છે. અહીં માત્ર ચારથી પાંચ દિવસ ચાલે તેટલો જ કોલસો વધ્યો છે. રેલ રેકથી કોલસાનો સ્ટોક સમયસર પહોંચતો ના હોવાથી સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. આંધ્રપ્રદેશમાં વીજ સંકટના કારણે કંપનીઓના ઉત્પાદન પર વધારે અસર થઈ રહી છે. રાજ્યમાં સ્ટેઈનલેસ સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓએ વીજ કાપના કારણે તેમનું ઉત્પાદન 50 ટકા ઘટાડી દીધું છે. ગુજરાત-મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માંગ અને સ્ટોકની વચ્ચે વધતા અંતરના કારણે વીજ કાપ શરૂ થઈ ગયો છે. બિહાર, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ માંગ અને સ્ટોક વચ્ચે 3 ટકાનું અંતર થઈ ગયું છે.
કેમ માંગ સામે અછત સર્જાઈ?
દેશમાં કુલ વીજ ઉત્પાદનના 70થી 75 ટકા ઉત્પાદન કોલસામાંથી થાય છે. વીજ ઉત્પાદન પ્લાન્ટ સુધી રેલવે દ્વારા સમયસર કોલસો ના પહોંચતો હોવાના કારણે પણ વીજ સંકટ ઉભું થઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે અત્યારે રેલવેની રોજ 415 ટ્રેનો સંચાલન કરી છે, જ્યારે હકિકતમાં 453 ટ્રેનો દ્વારા કોલસો પહોંચાડવાનું કામ શરૂ થાય તો આ અછત પૂરી કરી શકાય એમ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક થી છ એપ્રિલ દરમિયાન રોજ માત્ર 379 ટ્રેનો ઉપ્લબદ્ધ થઈ જે જરૂરિયાત કરતાં 16 ટકા ઓછી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).