Home Gujarat સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ચાલતી લાલીયાવાળી; કાળઝાળ ગરમીમાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવા...

સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ચાલતી લાલીયાવાળી; કાળઝાળ ગરમીમાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડે છે, 5 AC શોભાના ગાંઠિયા સમાન!

Face Of Nation 15-04-2022 : એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ ઉનાળામાં વધતો જતો રોગચાળો. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે રાજકોટ આવતા હોય છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જ દર્દીઓની કફોડી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઇમરજન્સી વોર્ડમાં એર કન્ડિશન એક નહિ પરંતુ પાંચ પાંચ છે પરંતુ તે તમામ બંધ હાલતમાં છે ત્યારે આ દરમિયાન દર્દીઓના સંબંધીઓએ ટેબલ ફેન પોતાના ઘરેથી લાવવાની ફરજ પડી રહી છે. જયારે જેની ઘરે ટેબલ ફેન ન હોય અથવા તો તે ખરીદવા પૈસા ન હોય તો પોતાની ફાઇલ અથવા થાળીથી હવા નાખતા નજરે પડ્યા હતા.
દર્દીઓની હાલત એકદમ કફોડી હોવાના દ્રશ્યો સામે આવ્યા
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે ત્યારે હિટવેવની આગાહી વચ્ચે દિવ્યભાસ્કરની ટિમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ મુખ્ય એવા ઇમરજન્સી વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં દર્દીઓની હાલત એકદમ કફોડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓના દાવા તો તંત્ર કરી રહ્યું છે પરંતુ આ દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સાંસદે આપેલા એરકંડીશન બંધ હાલતમાં
રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહન કુંડારીયા દ્વારા દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે પોતાની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 દરમિયાન એરકંડીશન આપવામાં આવ્યા હતા પરંતુ આજે આ એરકંડીશન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આવી કાળઝાળ ગરમીમાં દર્દીઓ તેમજ દર્દીઓના સબંધીઓ હાલાકીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે.
5 એરકંડીશન બંધ હાલતમાં પડ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલ 5 એરકંડીશન છે પરંતુ આ 5 માંથી એક પણ એરકંડીશન ચાલુ હાલતમાં નથી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. ગરમથી પરેશાન થતા દર્દી માટે તેમના પરિવારજનો દ્વારા ઘરેથી ટેબલ ફેન લાવી તેમને હવા આપવામાં આવે છે તો કેટલાક દર્દી ગરીબ પરિવારમાંથી આવતા હોય જેમની પાસે ટેબલ ફેન લેવાના રૂપિયા હોતા નથી તેઓ દર્દીને હોસ્પિટલમાંથી આપવામાં આવેલ ફાઈલ થી હવા નાખતા હોય છે. એટલું જ નહિ એક દર્દીના સબંધી તો થાળી થી દર્દીને હવા નાખતા નજરે પડ્યા હતા.
તંત્ર ક્યારે દર્દીઓની વેદના તરફ ધ્યાન આપશે
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલ તંત્ર ને બંધ એસી પંખા અંગે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર પાસે તેમની રજુઆત સાંભળવા કે દર્દીની વેદના સમજવા સમય જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા દર્દીઓની વેદના સમજી તેમને પંખા અને એસીની સુવિધા સારી રીતે ક્યારે પુરી પાડવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).