Face Of Nation 15-04-2022 : ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.
પથ્થરમારાની ઘટનાના પડઘા શાંત પડ્યા નથી
ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે. આ અંગે જિલ્લા વહીવટી અને પોલીસતંત્ર દ્વારા તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે અને આ સ્થળોની આસપાસ ઝાડીઝાંખરા કે ગેરકાયદે કાચાં કે પાકાં દબાણો સહિતની અડચણ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે હાલ શક્કરપુર ગામમાં ગેરકાયદે દબાણો અને ઝાડીઝાંખરા દૂર કરવા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારીની નજર હેઠળ બુલડોઝર ફેરવી દેવાયું છે. અલબત્ત, પથ્થરમારાની ઘટનાના પડઘા હજુ શાંત પડ્યા નથી. સ્લિપર મોડ્યુલ બહાર આવતાં ખંભાત બીજું કાશ્મીર ન બને એ માટે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહી છે. જિલ્લા પોલીસ સાથે કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર વિભાગ પણ આ અંગે સતત સતર્ક રહી તથા કામગીરી બજાવી રહ્યું છે.
હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે
શક્કરપુર સહિત ખંભાત તાલુકા મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો ખડકાયેલાં છે, જેમની આડમાં અસામાજિક તત્ત્વો પોતાના બદઇરાદા પાર પાડી રહ્યા છે. આ દબાણોની આડમાં ચાલતી કેટલીક બદીઓ પણ સામે આવી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન બેઠક તાત્કાલિક દબાણ હટાવવા આદેશ આપવામાં આવ્યાં હતા, જેને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શુક્રવારના રોજ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલ તંત્ર દ્વારા શક્કરપુરમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગળ પણ ચાલતી રહેશે, ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે અને સમગ્ર ખંભાતમાં દબાણ હટાવવામાં આવશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસે જણાવ્યું હતું કે સંવેદનશીલ પોઇન્ટ પર શાંતિ જળવાય રહે એ માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શક્કરપુરમાં તંત્ર સાથે રહી ગેરકાયદે દબાણો હટાવવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).