Home Religion દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા; દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરવાની આંશકા સાથે રાજકોટ ક્રાઈમબ્રાંચના...

દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા; દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરવાની આંશકા સાથે રાજકોટ ક્રાઈમબ્રાંચના PSI સહિત 4 કોન્સ્ટેબલ પકડાયા!

Face Of Nation 18-04-2022 : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો રાજકોટ સિટીથી 80 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા. ગુજરાતમાં પહેલીવાર આવું બન્યું છે કે દારૂ ભરેલા કન્ટેનરનું કોઈ મહિલા પીએસઆઈ પાયલોટિંગ કરી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે તમામને ઝડપી પાડી સાયલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
394 દારૂની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર
કન્ટેનરનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. તેવા આક્ષેપો હેઠળ રાજકોટ કમિશનર અને તેમના નજીકના કર્મીઓની બદલી સરકારે કરી હતી. તેવામાં મહિલા પીએસઆઈ અને પોલીસકર્મીઓ દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. તેમાંથી 394 દારૂની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર હતા. આ ટોળકીને એસએમસીએ પકડી પાડી હતી.
ટ્રકમાં ડ્રાઇવર સાથે બે પોલીસ કોન્સ્ટેબલ
દારૂ ભરેલી ટ્રકની આગળ એક કાર હતી, જેમાં રાજકોટની મહિલા પીએસઆઇ ભાવના કડછા હતા. તેમની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ હતા. તેઓ ભાગવા જતાં હતા, પરંતુ તેમને એસએમસીની ટીમે પકડી પાડ્યા હતા. ત્યારે ટ્રકમાં ડ્રાઇવર સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. તેમને પણ એસએમસી અટકાયત કરી સાયલા પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 394 દારૂની પેટીઓ પકડી પાડી હતી. જ્યારે રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચના માણસો પહેલા ગભરાઇ ગયા હતા અને બાદમાં પોતે જ દારૂ પકડવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા.
PSI સહિતની પુછપરછ હાથ ધરી
એસએમસીએ તેમને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પકડાઇ જતાં રાજકોટના ઉચ્ચ પોલીસ ઓફિસરો, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રટણ કરી રહ્યા છે કે, અમને આ અંગે જાણ નથી. આમ મલાઇ ખાવામાં તમામ જોડે હોય છે અને કોઇ આવી ઘટના બને તો તમામ લોકો હાથ ખેંચી લેતા હોવાની ઘટના નવી ન હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. જોકે મહિલા PSI અને સ્ટાફ પાયલોટિંગમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
મનોજ અગ્રવાલની કમિશન કાંડને પગલે બદલી
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશન કાંડમાં બદલી કરી સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની સામે કોઇ જ એસીબી કે અન્ય તપાસ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમના નજીકના પીઆઇ ગઢવી અને પીએસઆઇ તથા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે. આમ ત્યાર બાદ ફરી એકવાર રાજકોટ પોલીસ ચર્ચામાં આવી છે. સાયલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે એક દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી. આ ટ્રક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસીએ પકડી પાડ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).