Home Gujarat સફળ યોજના: સુરત બની રહ્યું છે ‘સોલર સિટી’; 42 હજારથી વધુ ઘરો...

સફળ યોજના: સુરત બની રહ્યું છે ‘સોલર સિટી’; 42 હજારથી વધુ ઘરો પર થાય છે વીજ ઉત્પાદન, લાઇટ બિલ થયું શૂન્ય!

Face Of Nation 20-04-2022 : ટેક્સટાઈલ, ડાયમંડ, સ્માર્ટસિટી સુરત હવે સોલર સિટી બનાવ જઈ રહ્યું છે. સુરતમાં હાલ 42 હજાર ઘરો પર 205 મેગાવોટના સોલર પ્લાન્ટ લગાવાયા છે, જેથી આ તમામ ઘરોમાં લાઈટ બિલ શૂન્ય થઈ ગયું છે. પાલિકા દ્વારા પર વધુમાં વધુ લોકોને રૂફટોપ સોલર પ્લાન્ટ લગાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ સુરત સિટીમાં વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશમાં 3% અને ગુજરાતમાં 12% હિસ્સો ઘરાવે છે.
500 કિ.વો. સુધીના સોલર પાવર પ્લાન્ટ લગાવી શકાય
શહેરમાં કુલ 42000થી વધુ મકાનોની છત પર રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ્સ લગાવાયેલા છે. સ્વતંત્ર છત ધરાવતાં મકાનોમાં 3 કિ.વો. સુધીના સોલર પ્લાન્ટની ક્ષમતા માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચના 40%, 4થી 10 કિ.વો. સુધીના સોલર પ્લાન્ટની ક્ષમતા માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચના 20% જેટલી સબસિડી મળવાપાત્ર છે. ફ્લેટ-એપાર્ટમેન્ટ માટે કોમન વીજ વપરાશનાં હેતુસર 500 કિ.વો. સુધીના સોલર પાવર પ્લાન્ટ માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચની 20% જેટલી સબસિડી મળવાપાત્ર છે. શહેરમાં 205 મેગાવોટ ક્ષમતાના સોલર પ્લાન્ટ્સ લગાવાયેલા છે, જેનો કોમન યુટિલાઈઝેશન ફેક્ટરને ધ્યાનમાં લઈએ તો 205 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ્સ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન સોલર પ્લાન્ટ થકી થઈ રહ્યું છે.
ક્રેડિટ 1000 રૂપિયાથી 1200 સુધીની જમા થાય
સોલરનો લાભ લેનારા એક લાભાર્થીએ જણાવ્યું હતું કે મારા ઘરનું લાઈટ બિલ બે મહિનાનું 2000થી 2700 રૂપિયા આવતું હતું. ત્યાર બાદ 2018માં સોલર પ્લાન્ટ નખાવ્યો ત્યારથી વીજ બિલ મારું શૂન્ય થઈ ગયું. ઉપરાંત ક્રેડિટ જમા થાય છે. ઉનાળામાં એસી ચાલે અને પંખા પણ ચાલે ત્યારે યુનિટ બેલેન્સ થઈ જાય અને શિયાળામાં પંખા ચાલે નહીં એટલે ક્રેડિટ 1000 રૂપિયાથી 1200 સુધીની જમા થાય, એટલે કે વપરાશ પ્રમાણે ક્રેડિટ જમા થાય છે, જેનાથી આંખું એક મહિનાના બિલના પૈસા જમા થાય છે. જ્યારથી સોલર લગાવ્યો ત્યારથી બિલ શૂન્ય આવતાં બિલ ભરવાની નોબત આવી નથી, જેથી બચત થતાં રાહત થઈ છે.
સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત
મનપા એડિશનલ સિટી ઈજનેર કે.એચ. ખટવાનીએ જણાવ્યું હતું કે શહેરમાં સોલર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. શહેરનાં 42 હજારથી વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં 418 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય એમ છે. સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે. સુરતને સોલર સિટી બનાવવા માટે 100% લક્ષ્યાંક સુધી પહોંચવા માટે શહેરીજનોને સોલર પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરાય છે, જેનો સીધો લાભ સોલર પ્લાન્ટ લગાવનારને થશે.
લાઈટ બિલને લઈને પડતો આર્થિક બોજો શૂન્ય થઈ ગયો
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિનોદ જૈને જણાવ્યું હતું કે અમારું સંયુક્ત કુટુંબ છે અને તેને કારણે ઘરના સભ્યોની સંખ્યા પણ વધારે છે. સોલર રૂફટોપ પ્લાન્ટ અંતર્ગત 2018માં અમારી છત ઉપર મૂકવામાં આવ્યો હતો. ઘરમાં સભ્યો વધુ હોવાથી એસી, પંખા તેમજ લાઇટનો ઉપયોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં હતો, સાથે ગરમ પાણી માટે ગેસ હીટરનો પણ ઉપયોગ કરતા હતા, પરંતુ જ્યારથી સોલર રૂફટોપ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે ત્યારથી અમારા વીજ વપરાશને કારણે જે આર્થિક બોજો પડતો હતો એ લગભગ શૂન્ય થઇ ગયો છે. આજે અમારા ઘરનું બિલ જે પહેલાં હજાર રૂપિયા આવતું હતું એ હવે નીલ થઈ ગયું છે, કારણ કે ઉનાળાના સમય દરમિયાન વીજ વપરાશ કરતાં હોયએ છીએ, પરંતુ ચોમાસું અને શિયાળા દરમિયાન પંખા, એસીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થઈ જાય છે, એની ક્રેડિટ તમને ખૂબ સારી મળે છે. સરવાળે વર્ષ દરમિયાન અમારું બિલ એકપણ રૂપિયા અમારે ભરવાનો થતો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).