Face Of Nation 23-04-2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરવાના છે. આ ઉપરાંત પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના નેતાઓમાં દુવિધા પ્રવર્તતી હોવા છતાં તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.
1 અઠવાડિયા પહેલા PKની ટીમ ગુજરાતમાં હતી
ગુજરાતમાં ડિસેમ્બર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. હાલમાં જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વચ્ચે હાલ પ્રશાંત કિશોરની ટીમે થોડા દિવસો પહેલાં જ ગુજરાતમાં ધામા નાખ્યાં હતા. પ્રશાંત કિશોરની ટીમ એપ્રિલના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં પહોંચી હતી.
કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને મોટું પદ મળી શકે
ગત વર્ષે પ્રશાંત કિશોરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. એ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય રહ્યા છે એવી શક્યતાએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. તો 2024ની લોકસભા ચૂંટણીમાં PM મોદીને ઘેરવા સ્થાનિક પક્ષોની સાથે પ્રશાંત કિશોર એક ચક્રવ્યૂહ બનાવવામાં પણ વ્યસ્ત છે.
ભરતસિંહ સોલંકીએ પીકે સાથે બેઠક કરી હતી
ગુજરાતમાં કોંગ્રેસે એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધપક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે એવી માગ ઊઠી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરાયો હતો, ગયા વર્ષે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હતી, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલદી નિર્ણય લેવામાં આવે એ અંગે પણ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા પ્રબળ બની છે. તેઓ મે મહિના પહેલાં ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. એટલું જ નહીં, ગુજરાતમાં સત્તાવિહોણી સતત પરાજયનો સામનો કરી રહેલા કૉંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે
2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics રાજનીતિમાં ઉથલપાથલ; ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા, આજે પ્રશાંત કિશોર...