Home News ભૂજ: માંડવી-ઓખા વચ્ચે ફરી ધમધમશે ફેરી,જામનગરના રોઝી બંદર વચ્ચે પણ ફેરી સર્વિસ...

ભૂજ: માંડવી-ઓખા વચ્ચે ફરી ધમધમશે ફેરી,જામનગરના રોઝી બંદર વચ્ચે પણ ફેરી સર્વિસ શરૂ કરાશે

બે વર્ષથી બોટ સર્વિસ બંધ રહ્યા બાદ તંત્ર ફરી જાગ્યું
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ટેન્ડરો પણ બહાર પાડી દેવાયા

Face Of Nation:ભૂજ: માંડવી-ઓખા વચ્ચે વર્ષ 2016માં શરૂ થયેલી ફેરી સર્વિસ અંદાજે બે વર્ષથી બંધ છે. તેવામાં હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડે ફરીથી ફરી સર્વિસ શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે. આ વખતે માંડવી-ઓખાની સાથે જુનામુન્દ્રા પોર્ટથી જામનગરના રોઝી બંદર વચ્ચે પણ ફેરી સેવા શરૂ કરવાની તૈયારીઓ છે. તેના ટેન્ડરો પણ બહાર પાડી દેવાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છથી નવલખી, મુંબઇ, કરાચી સહિતના બંદરો પર ભૂતકાળમાં બોટ સર્વિસ ચાલતી હતી. પરંતુ પાકિસ્તાન સાથે યુધ્ધ સહિતના કારણોને લીધે 1965થી આ બોટ સેવા બંધ થઇ ગઇ છે.

બે ફેરી સર્વિસની તૈયારીઓ શરૂ
તેવામાં હવે ટુરિઝમ અને સમયના બચાવ માટે ફેરી સર્વિસ શરૂ કરાઇ રહી છે. કચ્છમાં લાંબા સમયથી માંગ બાદ વર્ષ 2016માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ખાનગી પેઢીના મારફતે માંડવી અને ઓખા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરી હતી. જેમાં વારંવાર વિક્ષેપ સર્જાયા હતા. આધૂનિક બોટમાં ખામી સર્જાયા બાદ અન્ય એક બોટ વડે સર્વિસ ચાલુ રખાઇ હતી. પરંતુ 2017માં ચોમાસાના નામે આ સેવા બંધ થયા બાદ ફરી શરૂ થઇ શકી ન હતી. જે સેવા બે વર્ષથી બંધ છે. તેવામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફરી કચ્છમાંથી મુન્દ્રા અને માંડવીને જોડતી બે ફેરી સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના માટે મેરીટામઇ બોર્ડે ટેન્ડરો પણ બહાર પાડી દીધા છે. માંડવીની સાથે આ વખતે મુન્દ્રાથી જામનગરના રોઝી બંદરને જોડતી ફરી માટે ખાનગી કંપનીઓ પાસે ટેન્ડરો મંગાવાય છે.

હજારો પ્રવાસીઓએ લાભ લીધો હતો
વર્ષ 2016-17માં માંડવીથી ઓખા વચ્ચે ચાલુ થયેલી ફેરી સર્વિસને અનેક વિઘ્નો નડ્યા હતા. તો સામે બાજુ સરકારી તંત્રની પણ બેદરકારી જોવા મળી હતી. વહીવટી પ્રક્રિયા સહિતના પરિબળોમાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો થયા હતા. જોકે, થોડા મહિનાઓ માટે ચાલેલી આ સર્વિસને પ્રવાસીઓમાં લોકપ્રિયતા મળી હતી. અંદાજે 250થી વધારે ટ્રીપમા દસેક હજાર પ્રવાસીઓએ લાભ લીધો હતો. ત્યારે હવે જો આ સર્વિસ શરૂ થાય ત્યારે સરકાર યોગ્ય ધ્યાન આપે તે જરૂરી છે.