Face Of Nation 23-04-2022 : પંજાબમાં વીઆઈપીની સુરક્ષા પરત ખેંચી લેતાં વિવાદ શરૂ થઈ ગયો છે. ગનમેન પરત લઈ લેવાતાં કોંગ્રેસ અને અકાળીદળે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે અમને અમારી સુરક્ષા પરત લઈ લેવામાં આવી એનાથી વાંધો નથી, પરંતુ ભગવંત માનની માતા અને બહેનને સિક્યોરિટી કેમ આપવામાં આવી છે? માન સરકારના મંત્રી પાયલોટ જીપ્સી અને કમાન્ડોની ફોજ લઈને કેમ ફરે છે? બીજીતરફ મુખ્યમંત્રી માને પંજાબમાં 184 નેતા અને તેમના પરિવારની ગનમેન અને પાયલોટ જીપ્સીઓ પરત લઈ લીધી છે. એમાં મોટા ભાગના કોંગ્રેસ અને અકાળીદળના પૂર્વ ધારાસભ્ય, નિવૃત્ત પોલીસ ઓફિસર્સ પણ સામેલ છે. મુખ્ય ચહેરામાં યૂથ કોંગ્રેસના મંત્રી બરિંદર ઢિલ્લો, પૂર્વ મંત્રી સુરજિત રખડા, બીબી જગીર કૌર, સુચ્ચા સિંહ છોટેપુર, વિરસા સિંહ વલ્ટોડા, અરવિંદ ખન્ના, કેપ્ટન સંદીપ સિંધુ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આચાર્ય પ્રમોદ કૃષ્ણન સામેલ છે.
ટ્રાન્સપોર્ટ મંત્રીની પત્ની ગનમેન કમાન્ડો : અકાળી દળ
અકાળી નેતા વિરસા સિંહ વલ્ટોહાએ કહ્યું હતું કે, ભગવંત માનની બહેન અને માતાને સિક્યોરિટી કેમ આપવામાં આવી છે. મંત્રીઓ સાથે 3 પાયલોટ જીપ્સી અને 20 કમાન્ડો કેમ હોય છે? તેમણે ટ્રાન્સપોર્ટમંત્રી પર પણ સવાલ ઊભા કર્યા છે કે તેમની પત્નીને ગનમેન કેમ આપવામાં આવ્યા છે? યૂથ કોંગ્રેસ મંત્રી બરિંદર ઢિલ્લોએ કહ્યું હતું કે આપ સરકારના મંત્રીઓને કમાન્ડો અને પાયલોટ જીપ્સી કેમ આપવામાં આવી છે? એક મહિનામાં તેમણે એવું તો શું કામ કરી દીધું કે તેમને જોખમ છે?
સ્ટેટ્સ સિમ્બોલ માટે રાખ્યા હતા ગનમેન: ‘આપ’
આપના પ્રવક્તા નીલ ગર્ગે કહ્યું હતું કે આ લોકોને કઈ વાતનું જોખમ છે? માત્ર સ્ટેટ્સ સિમ્બોલ માટે ગનમેન રાખ્યા હતા. આ ગનમેનને હવે સામાન્ય લોકોની સુરક્ષામાં રખાશે. તેમણે કહ્યું- જોખમ તો તેમને હોય, જેમણે કોઈ ખોટું કામ કર્યું હોય. AAPના મંત્રીઓ અને તેમનાં પરિવારજનો વિશે કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કેપ્ટન, ચન્ની અને મનપ્રીતનાં પરિવારજનો પાસેથી સુરક્ષા પરત લીધી
લિસ્ટમાં પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવાના પુત્ર ઉદયબીર સિંહ રંધાવાનું નામ પણ સામેલ છે. તેમની પાસે સૌથી વધુ 6 કર્મચારીની સુરક્ષા હતી. એ ઉપરાંત એક ગાડી પણ હતી. હવે તે પરત લઈ લેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર અને મનપ્રીત બાદલના પુત્ર સાથે પૂર્વ મુખ્યમંત્રી ચરણજિત ચન્નીના પરિવારની સુરક્ષા પણ પરત લઈ લેવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News ‘માન’નો ‘વટ’ છે બાકી! પંજાબમાં મુખ્યમંત્રીએ 184 નેતા અને માતા-બહેનને ‘વીઆઈપી’ સિક્યોરિટી...