Home Gujarat કચ્છ ડ્રગ્સની ‘હેરાફેરી’નું બન્યું કેન્દ્ર: કચ્છના જખૌ પાસેથી રૂ.280 કરોડનો ડ્રગ્સનો જથ્થો...

કચ્છ ડ્રગ્સની ‘હેરાફેરી’નું બન્યું કેન્દ્ર: કચ્છના જખૌ પાસેથી રૂ.280 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 9 પાકિસ્તાની માછીમારની ધરપકડ

Face Of Nation 25-04-2022 : દેશની આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સીમાએ આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા બળ દ્વારા હાલના સમયમાં સતત માદક પદાર્થ ઝડપવાનું કાર્ય સામે આવી રહ્યું છે. તેમાં આજે સોમવારે ફરી એક વખત ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને રૂ. 280 કરોડના ડ્રગના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘુસણખોર સહિત ઝડપી પાડવામાં આવી છે. પાક. આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે. જો કે મોટી માત્રામાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાને લઈ સલામતી દળો વધુ સાબદા બની ગયા છે. તો બીજીતરફ આ પૂર્વે ગત વર્ષની 9 ફેબ્રુઆરીના રોજ 11 પાક. બોટ સલામતી દળોને ક્રિક વિસ્તારમાંથી બિન વારસી હાલતમાં મળી આવી હતી અને ત્યારબાદ છુપાયેલા 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. જેના બાદ ક્રિક વિસ્તારમાંથી સતત ચરસના બિન વારસી પેકેટ મળવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.
સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી
કચ્છની અટપટી ક્રિક ધરાવતા દરિયાઈ સીમા વિસ્તારમાં સીમા સુરક્ષા બળ અને કોસ્ટગાર્ડ સહિતની સલામતી એજન્સી દ્વારા ચુસ્ત પહેરો રાખવામાં આવી રહ્યો છે. તેમ છતાં નાપાક ઘુસણખોરો કઠીન ક્રિક વિસ્તારનો લાભ લઇ દેશની સીમા અંદર પેશકદમી કરતા ઝડપાઇ રહ્યા છે. તેમાં આજે રૂ. 280 કરોડના દ્રગ્સ સાથે ઝડપાયેલી પાક. બોટના કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપાયેલા પાક. આરોપીઓને જખૌ બંદર પર લઈ અવાયા બાદ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના રહેલી છે.
સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).