Home Gujarat રાજ્ય સરકારને ઝટકો: પાટીદારો પરના કેસ પરત ખેંચવાની અરજી મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી;...

રાજ્ય સરકારને ઝટકો: પાટીદારો પરના કેસ પરત ખેંચવાની અરજી મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી; બીજી મેએ હાર્દિક સહિત 21ને હાજર રહેવા કોર્ટનો આદેશ!

Face Of Nation 25-04-2022 : હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલ ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે. બીજી મેના રોજ આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.
485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.
કોર્પોરેટરના ઘર પર હુમલો થતા ફરિયાદ નોંધાવાઈ હતી
20 માર્ચ 2017ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.
પાટીદારો સામેના 10 કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો હતો
નોંધનીય છે કે, મહિના પહેલા જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે.
2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારોના જીવ ગયા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).