Face Of Nation:કર્ણાટકમાં એચ.ડી.કુમારસ્વામી સરકાર પર સંકટનો મામલો આજે લોકસભામાં પણ ઉઠ્યો. ગૃહમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ મૂકયો. જવાબમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ સ્પષ્ટતા કરી કે કર્ણાટકમાં જે પણ કંઇ થઇ રહ્યું છે તેમાં તેમની પાર્ટીનો કોઇ હાથ નથી. રાજનાથ એ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના બ્હાને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે રાજીનામાની શરૂઆત તો રાહુલ ગાંધી એ કરી હતી. બધા તેમને ફોલો કરે છે.
કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો લોકતંત્રની હત્યાનો આરોપ
લોકસભામાં ચૌધરીએ કર્ણાટકના મુદ્દાને ઉઠાવતા કહ્યું કે તેમના આખા ઘટનક્રમની પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ચૌધરી એ કહ્યું કે એમપી, કર્ણાટક જ્યાં અમારી સરકાર છે, આ સરકારને તોડવા માટે આ પક્ષ પલટાની હરકત કરી રહ્યું છે. આ સરકાર ગુપ્ત રીતે ષડયંત્ર રચી રહી છે. આ તેમને પસંદ નથી કે વિપક્ષની સરકાર કયાંય પણ રહે. આ ચિંતાની વાત છે. અમારી પાર્ટીના ધારાસભ્યોને મુંબઇની આલીશાન હોટલમાં રાખી રહ્યાં છે.
રક્ષા મંત્રી બોલ્યા – અમારી કોઇ લેવા-દેવા નથી
ચૌધરીના આરોપોનો જવાબ આપતા ગૃહમાં ઉપનેતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટીનો કર્ણાટકના ઘટનાક્રમ સાથે કોઇ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે અમારો ઇતિહાસ રહ્યો છે કે કોઇપણ પ્રકારના પ્રલોભન આપીને અમે પક્ષ પલટો કરાવાની કોશિશ કરી નથી. સંસદીય લોકતંત્રની ગરિમાને બનાવી રાખવા માટે અમે લોકો પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ.
કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાંના બ્હાને રાજનાથે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો. તેમણે કહ્યું કે ત્યાગપત્ર અપાવાનો સિલસિલો અમે લોકોએ પ્રારંભ કરાવ્યો નથી. કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ત્યાગપત્ર અપાવાનો સિલસિલો શરૂ કર્યો છે. એક-એક દિગ્ગજ નેતા ત્યાગપત્ર આપવાનું કામ કરી રહ્યાં છે.