Face Of Nation:ગુજરાત સરકારની નાગરિક પરિવહન સેવા એસટી બસના મુસાફરોમાં ચાર વર્ષમાં ૫૮,૦૦૦ અને ત્રણ વર્ષમાં ૧.૨૩ લાખનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ચારવર્ષમાં ૬૦.૧૦ લાખ અને ત્રણ વર્ષમાં ૪૯.૩૦ લાખ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
તો બીજી બાજુ, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારી અને લાભાર્થી કાર્યક્રમો માટે એસટી નિગમ પાસેથી લોકોને લાવવા લઈ જવા માટે 66 કરોડ 39 લાખથી વધુ રકમ ચૂકવવાની બાકી છે. વર્ષ 17-18 ૪૪ કરોડને 18 લાખથી વધુ રકમ અને વર્ષ 18-19માં ૨૨ કરોડને 21 લાખથી વધુ રકમ બાકી છે.
આ રકમ પૈકી વર્ષ 17-18મા 39 કરોડ 86 લાખ રકમ ચુકવાયા અને હજુ 4 કરોડ 31 લાખની રકમ ચૂકવવાની બાકી છે. વર્ષ 18-19માં 21 કરોડને 31 લાખની ચુકવણી કરવામાં આવી અને હજુ 89 લાખને 78 લાખ ચુકવણી બાકી છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું.
દરવર્ષે બજેટમાં ગુજરાત સરકાર નવી બસો ખરીદવાની જાહેરાત કરે છે પણ હકીકતમાં છેલ્લા ચાર વર્ષમાં એસટી નિગમના રસ્તા ઉપર ફરતા વાહનોમાં માત્ર ૩૧૨નો જ વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં ઉડ્ડયનક્ષેત્રે ફ્લાઇટ ટ્રિપની સંખ્યામાં ૪૧ હજારનો વધારો નોંધાયો છે.
અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોના એસટી બસ ડેપોને એરપોર્ટ જેવો લુક આપ્યા પછી પણ ગુજરાત સરકારની નાગરિક પરિવહન સેવા એસટી બસ મુસાફરોને આકર્ષી શકી નથી. ગુજરાતભરમાં સ્ટેટ-નેશનલ હાઈવેથી નીચે ઊતરતા નાના શહેરો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી માટે નાગરિકો હજુ પણ શટલિયા, છકડા કે ડાલા જેવાં જોખમી વાહનોને હવાલે છે.
સિક્કાની બીજી તરફ રાજ્યમાં ઘરઆંગણે આંતરિક ઉડ્ડયન સેવાઓ શરૃ થયાના ચાર-પાંચ વર્ષમાં જ વિમાની મુસાફરી કરનારાઓની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગુજરાતની આ ત્રણેય તસવીરો વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષાના અહેવાલમાંથી બહાર આવી છે.
ભાવનગર, જામનગરથી હવાઈયાત્રીઓમાં ઘટાડો
ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી રાજ્યની અંદર ભૂજ, ભાવનગર, વડોદરા, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, પોરબંદર, મુંદ્રા, કેશોદ, કંડલાથી આંતરિક હવાઈ મુસાફરીનું પ્રમાણ વધ્યંુ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં આ એરપોર્ટ પરથી ૩૩.૭૭ લાખ પ્રવાસી નોંધાયા હતા.
જે વધીને ૧૮-૧૯માં ૬૧.૩૯ લાખે પહોંચ્યા છે. જો કે, ભાવનગર અને જામનગરથી આંતરિક હવાઈ સેવાના મુસાફરો ઘટયા છે. વર્ષ ૧૫- ૧૬માં ૨૧,૧૧૮ મુસાફરો ધરાવતા ભાવનગર એરપોર્ટને ૧૭-૧૮માં માત્ર ૧૭,૭૮૯ પ્રવાસીઓ મળ્યા હતા. આ જ રીતે જામનગર એરપોર્ટમાં પણ ૭ હજાર મુસાફરોનો ઘટાડો થયો છે.