Face Of Nation 27-04-2022 : વિશ્વમાં ફળોના રાજા તરીકે ઓળખાતી ગીર પંથકની કેસર કેરીની હરાજીનો આજથી તાલાલા એપીએમસી ખાતે વિધિવત શરૂઆત થઈ છે. આજે થયેલ હરાજી અંગે યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ જણાવેલ કે, પ્રથમ દિવસે ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછા એટલે કે માત્ર 2,600 બોક્સ જ કેસર કેરીના યાર્ડમાં હરાજી માટે આવ્યા હતા. વર્ષોની પ્રણાલી મુજબ આજે યાર્ડમાં હરાજીમાં પ્રથમ કેરીનું બોકસ રૂ.16 હજારમાં વેંચાયુ હતુ. આ રકમ ગૌશાળામાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હરાજી વિઘિવત રીતે આગળ ઘપતા કેસર કેરીના પ્રતિ એક બોકસના ન્યુનતમ રૂ.500 અને મહત્તમ રૂ.1500 સુઘી બોલાયા હતા. જેમાં નાના અને મધ્યમ કેરીના ફળના એક બોકસના રૂ. 700 થી 800 જેવો ભાવ સરેરાશ રહ્યો હતો.
ગરીબ વર્ગ માટે તો કેસર કડવી બનશે
કેરીના વેપારીઓ જણાવેલ કે, પાછલા વર્ષોમાં આવેલ કુદરતી આફતોના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટતા સીઝન આગળ પાછળ જોવા મળી રહી છે. તેમ છતાં કેરીના માલની અછત વર્તાતી રહેશે. કેસર કેરીનો સરેરાશ રૂ.800 થી લઇ 1500 સુઘીના ભાવો રહેશે. આ વર્ષે કેરીના ઓછા માલની આવક વચ્ચે પણ સીઝન લાંબી ચાલવાની સાથે ભાવો પણ સરેરાશ જળવાઈ રહેશે. આ વર્ષે સમગ્ર સીઝન દરમ્યાન માંડ 5 લાખ કેસર કેરીના બોકસ તાલાલા યાર્ડમાં આવે તેવી સંભાવના વર્તાય રહી છે. આ વર્ષ ગરીબ વર્ગ માટે તો કેસર કડવી બનશે તે નકકી છે.
સીઝન લાંબી ચાલશે પણ આવક ઘટાડો જોવા મળશે
ગીર પંથકમાં પ્રતિકુળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને ગ્રહણ લાગયું હોવાથી ઉત્પાદન ઘણુ ઘટયુ છે. જેના લીઘે આ વર્ષે કેરીના એક્ષપોર્ટની સંભાવના પણ નહિવત જોવા મળી રહી છે. કારણ કે દર વર્ષે આંબાના એક એક બગીચામાંથી 300 થી 400 કેરીના બોકસ હરરાજીમાં આવતા જેની સામે આ વર્ષે માત્ર 15 થી 60 બોકસ જ આવવાની ઘારણા છે. જો કે આ વર્ષની સીઝન 15 જુન સુઘી લાંબી ચાલે તેવી સંભાવના લાગી રહી છે પરંતુ પ્રમાણમાં કેસર કેરીની આવક ઓછી જોવા મળશે.
ઊંચા ભાવ હોવા છતા ઈજારાદારોને નુકસાન
આંબાના બગીચાઓના ઇજારો રાખતા કૈલાશભાઇ ડાભીએ જણાવેલ કે, સમગ્ર ગીર વિસ્તારમાં આ વર્ષે વાતાવરણની વિપરીત અસરોના કારણે કેસર કેરીનું ઉત્પાદન ઘટતુ જોવા મળી રહેલ છે. જેના લીઘે કેસર કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટી નુકસાની ભોગવવી પડી રહી છે. જો કેરીના સરેરાશ ભાવો ઉંચા રહેશે તો ખેડૂતોના ભાગે નુકસાની ઓછી આવશે. જેની સામે ઈજારદાર અને વેપારીને પણ મોટું નુકસાન નહીં થાય. કારણ કે, ઘણા ઇજારદારોએ બગીચામાં આંબાના ઝાડ અને પાન જોઈને રૂ.15 લાખ જેવી રકમમાં ઇજારો રાખ્યો છે. તેઓને માંડ રૂ.5 લાખની કેરીનો પાક મળે તેવી સ્થિતિ હાલ છે. કેસરના એક બોક્સનો ન્યુનતમ ભાવ રૂ.1500 થી લઈને 2 હજાર જેવો મળે તો પણ માત્ર મુડી ઉભી થાય તેવું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).