Face Of Nation 29-04-2022 : કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે 16 રાજ્યોમાં 10 કલાક સુધી પાવર કાપ મુકાયો છે. સરકારી રેકોર્ડ મુજબ, દેશભરમાં 10 હજાર મેગાવોટ એટલે કે 15 કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ પાવર પ્લાન્ટ્સને કોલસાના ઝડપી સપ્લાય માટે 24મી મે સુધી ઘણી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. જેથી કોલસા વહન કરતી માલગાડીઓ નિર્ધારિત સ્ટેશનો પર સમયસર પહોંચી શકે.
રેલવે સમર્પિત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ બનાવી રહ્યુ છે
ભારતીય રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ કૃષ્ણ બંસલના જણાવ્યા અનુસાર, પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય હંગામી છે. સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ સેવાઓ ફરી શરૂ થઈ જશે. આ નિર્ણય બાદ રેલ્વે તેના કાફલામાં વધુ એક લાખ કોચને ઉમેરવા જઈ રહી છે. આ ઉપરાંત રેલવે માલસામાનની ઝડપી અવરજવર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ બનાવી રહ્યુ છે.
5 વર્ષમાં પ્રથમ વખત એવરેજ દૈનિક લોડિંગમાં વધારો
હંગામી રીતે રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ 500 ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સાથે રેલવે દ્વારા કોલસાના રેકનું એવરેજ દૈનિક લોડિંગ પણ 400થી વધારે કરાયું છે. આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. કોલસાની વર્તમાન માંગને પહોંચી વળવા રેલવે દરરોજ 415 કોલસાના રેકનું પરિવહન કરી રહી છે. જેથી કોલસાની વર્તમાન માંગને પુરી કરી શકાય. આ કોલસાના દરેક રેકમાં 3500 ટન કોલસો હોય છે.
પાવર કટની અસર હવે દિલ્હીમાં
હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાવર કટની અસર દેખાવા લાગી છે. કોલસાની અછતના ભારે સંકટ વચ્ચે દિલ્હી સરકારે મેટ્રો અને હોસ્પિટલ સહિત અનેક આવશ્યક સંસ્થાઓને 24 કલાક વીજળી પૂરી પાડવાની અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. સાથે જ કેન્દ્રને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. જૈને કહ્યું કે દાદરી-2 અને ઉંચાહર પાવર સ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં 25-30% વીજળીની માંગ આ પાવર સ્ટેશનોમાંથી પૂર્ણ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટેશનોમાં કોલસાની અછત છે. આ કિસ્સામાં, સમસ્યા કોઈપણ સમયે ઘેરી બની શકે છે.
ઉત્તર પ્રદેશમાં 3 હજાર મેગાવોટથી વધુની અછત
ઉત્તર પ્રદેશમાં 3 હજાર મેગાવોટથી વધુની અછત છે. 23 હજાર મેગાવોટ વીજળીની માંગ છે, જ્યારે પુરવઠો 20 હજાર મેગાવોટ છે. પાવર કાપનું મુખ્ય કારણ દેશના ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ છે. આમાંથી 50% પ્લાન્ટ કોલસાની અછતને કારણે બંધ છે. પાવર સેક્ટરના નિષ્ણાત શૈલેન્દ્ર દુબેએ ભાસ્કરને જણાવ્યું હતું કે દેશમાં વર્તમાન વીજ ઉત્પાદન ક્ષમતા 3.99 લાખ મેગાવોટ છે. આમાં 1.10 લાખ મેગાવોટ રિન્યુએબલ ઊર્જા (સૌર-પવન)નો ભાગ છે. બાકીના 2.89 લાખ મેગાવોટમાંથી 72,074 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ બંધ છે. તેમાંથી 38,826 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ઇંધણ મળતું નથી. 9,745 મેગાવોટના પ્લાન્ટ્સનું શિડ્યુલ્ડ શટડાઉન છે. 23,503 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ અન્ય કારણોસર બંધ પડ્યા છે. તો બીજીતરફ રેલવેએ કહ્યું છે કે એક સપ્તાહમાં કોલસાના સપ્લાયમાં 10 ટકાનો વધારો થયો છે. માલગાડી દ્વારા ખાણથી પ્લાન્ટ સુધીનો સમય 12% થી 36% ઘટ્યો છે.
પ્લાન્ટ્સ સંપૂર્ણ ક્ષમતાથી ચાલવા જોઈએ: જોશી
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશભરના થર્મલ પ્લાન્ટ્સમાં 2.20 કરોડ ટન કોલસો છે, જે 10 દિવસ માટે પૂરતો છે. એવામાં, તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે મળીને ઉત્પાદન કરવું જોઈએ. CCLના મેનેજિંગ ડિરેક્ટર પીએમ પ્રસાદે જણાવ્યું હતું કે પ્લાન્ટને દરરોજ 2.2 લાખ ટન કોલસો આપવામાં આવશે.
પંજાબમાં વીજળીનું સંકટ, 12 કલાક સુધી કાપ
પંજાબમાં વીજળીનું સંકટ વધી ગયું છે. લગભગ 46 ડિગ્રી તાપમાન હોવા છતાં 12 કલાક સુધી કાપ જોવા મળી રહ્યો છે. શહેરોમાં 4 થી 5 કલાક, ગામડાઓમાં 10 થી 12 કલાક પાવર કાપ સહન કરવો પડી રહ્યો છે. હવે AAP સરકારના ઉર્જા મંત્રી હરભજન સિંહે આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અગાઉની ચન્ની સરકારે આ સિઝન માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. છેલ્લા વર્ષ દરમિયાન વીજળીની માંગ 40% વધી છે. આવી સ્થિતિમાં 24 કલાક વીજળી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).