Face Of Nation 29-04-2022 : રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. એવામાં હજુ પણ આગામી દિવસોમાં ગરમીથી રાહતના કોઈ અણસાર મળતા દેખાઈ રહ્યા નથી. અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે, આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 45 ડિગ્રીએ પહોંચશે તાપમાન
હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં 30 એપ્રિલ અને પહેલી જૂનના રોજ શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ ઉપર પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને 27 ડિગ્રી સુધી રહેશે. જ્યારે બીજી અને ત્રીજી મેના રોજ અનુક્રમે 44 તથા 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે 4મેના રોજ 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે. તો બીજીતરફ હવામાન વિભાગે અમદાવાદની સાથે સાથે, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી તથા કચ્છ જિલ્લાઓમાં પણ બે દિવસ હિટવેવ રહેવાની આગાહી કરી છે.
એપ્રિલમાં ગરમીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
હિટવેવના પ્રારંભ સાથે જ શહેરમાં એપ્રિલમાં ગરમીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુરુવારે સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પહેલી વખત એવું બન્યું છે કે, એપ્રિલમાં ગરમીનો પારો ત્રીજી વખત 44 ડિગ્રીને વટાવી ગયો છે. અગાઉ 8 એપ્રિલે 44 ડિગ્રી, 27 એપ્રિલે 44.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સમગ્ર એપ્રિલમાં માત્ર એક દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઓછો નોંધાયો છે.
અમદાવાદમાં 2016માં નોંધાયું હતું 48 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં વર્ષ 2016માં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 16 મે 2016ના રોજ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી 6 ડિગ્રી વધારે હતું. આ પહેલા 1916ના વર્ષમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરિણામે એક સદી જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.
અન્ય રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં અનેક રાજ્યોમાં ભીષણ લૂ ફૂંકાવાની ચેતવણી આપી છે. દેશના ઉત્તર, પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અત્યંત ગરમ પવનો ફૂંકાશે. સામાન્ય રીતે ઠંડા રહેતા પૂર્વોત્તર ભારતનાં રાજ્યોમાં પણ આગામી ત્રણ દિવસ લૂ ફૂંકાશે. આ ઉપરાંત ગુરુવારે દિલ્હીમાં 12 વર્ષમાં પહેલીવાર એપ્રિલમાં સૌથી વધુ 43.5 ડિગ્રી ગરમી નોંધાઈ. આ પહેલા 18 એપ્રિલ 2010ના રોજ દિલ્હીમાં 43.7 અને 29 એપ્રિલ 1941ના રોજ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).