Home Gujarat ગાંધીનગર મનપાની ઓફિસમાં 3 સફાઈ-કામદારોએ ‘ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા’નો કર્યો પ્રયાસ, 108...

ગાંધીનગર મનપાની ઓફિસમાં 3 સફાઈ-કામદારોએ ‘ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા’નો કર્યો પ્રયાસ, 108 દિવસ સુધી રહ્યા હતા ‘હડતાળ’ પર!

Face Of Nation 02-05-2022 : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પડતર માગણીઓને લઇને સફાઇ-કામદારોએ જંગ છેડ્યા પછી મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ-પ્રમુખે હૈયા ધારણા આપતાં કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. જોકે આજદિન સુધી પડતર માગણીઓ નહીં સંતોષાતાં ત્રણ કામદારે મનપા ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં દોડધામ મચી ગઈ છે.
કામદારોને મનાવવાના તંત્રના પ્રયાસ નિષ્ફળ
ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી બાદ પણ નોકરી નહીં મળતાં આજે સામૂહિક ઝેર પીવાની ચીમકી આપી હતી. એને પગલે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને છેલ્લી ઘડી સુધી આ કામદારોને મનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ એમાં સફળતા મળી નથી.
કામદારો 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા
ગાંધીનગર મહાનગરપાલિકામાં બે ઝોનની સફાઇ એજન્સી મારફત જ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ એજન્સીના સફાઇ-કામદારો પગારવધારો અને સ્માર્ટવોચના મુદ્દે 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા. ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમને પારણાં કરાવીને પગારવધારાની સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી આપવામાં આવી હતી.
બાયધરી બાદ પણ કામદારોના પ્રશ્નો હલ ન થયા
જોકે એક મહિના બાદ પણ સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી નહીં મળતાં કોર્પોરેશન તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું. આજે બીજી મેના રોજ સામૂહિક ઝેર પીવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇને કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા અને સફાઇ-કામદારો સાથે બેઠકો કરી હતી, પરંતુ એ નિરર્થક નીવડી હતી. એને પગલે આજે ચંદ્રકાંત સોલંકી, કિરણ સોલંકી અને ભદ્રેશ ગોહિલ નામના ત્રણ કામદારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો
ગાંધીનગર કોર્પોરેશનમાં આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ સેકટર-7 પીઆઈ સહિતના પોલીસકર્મચારીઓ કોર્પોરેશનમાં હાજર હતા. ત્યારે મનપામાં આઈ કાર્ડ વિના કોઇને પ્રવેશ આપવામાં આવતો ન હતો. બીજી તરફ સફાઈ-કામદારો આજે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે પડતર માગણીઓને લઇને રજૂઆત અર્થે પહોંચ્યા હતા, જ્યાં પડતર માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં પહેલાં એક સફાઈ-કામદારે ઝેરી દવા ગટગટાવી હતી, જેનાં કારણે હોહા થતાં કામદારોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. એટલામાં બીજા બે કામદારે પણ દવા પી લેતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી અને ત્રણ કામદારને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં પણ કામદારો સૂત્રોચારો ચાલુ રાખતાં પોલીસ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).