Face Of Nation:ભારતની સાથે જ અમેરિકામાં પણ પૂરથી લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વોશિંગ્ટનમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. તેના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. વોશિંગ્ટનની એક તસવીર સામે આવી છે, જેમાં પૂરની ઝપટમાં આવેલી કારની છત પર એક શખ્સ ઉભો રહીને પોતાનો જીવ બચાવી રહ્યો છે. પૂર બાદ અમેરિકન પોલીસે એલર્ટ રજૂ કર્યું છે.
નોર્થવેસ્ટર્ન ડીસી, સદર્ન મોંટગોમરી કાઉન્ટી, ઇસ્ટ સેન્ટ્પલ લૉડન કાઉન્ટીસ અર્લિંગટન કાઉન્ટી, ફૉલ્સ ચર્ચ અને નૉર્થઇસ્ટર્ન ફેયરફેકસ કાઉન્ટી માટે પૂરની ચેતવણીનો સમય વધારીને દિવસના 1.45 વાગ્યા (સ્થાનિક સમય)નો કરી દીધો છે. મંગળવાર સવારથી અમેરિકાની રાજધાનીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના લીધે ટ્રાફિક જામની મોટી સમસ્યા સામે આવી છે. રેલવે અને રસ્તા પર ટ્રાન્સપોર્ટેશન ઠપ પડ્યું છે. કેટલીય જગ્યાએ વીજળી ના હોવાથી પરેશાની વધી ગઇ છે.
વરસાદ એટલો બધો પડ્યો છે કે વ્હાઇટ હાઉસના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઇ ગયા છે. વરસાદ બાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સ્પેસમાં પણ પાણી ઘૂસી ગયા. સરકારી કર્મચારી આ જગ્યાઓમાંથી પાણી નીકાળતા જોવા મળ્યા. જો કે અધિકારીઓએ વ્હાઇટ હાઉસમાં પૂર આવ્યાનો ઇન્કાર કરી દીધો છે. પ્રેસ સ્પેસમાં પાથરેલ લાલ ચટ્ટાઇ પર પાણી દેખાયું.
પોટોમેક નદીના વિસ્તારમાં પૂરનો સૌથી વધુ ખતરો દેખાઇ રહ્યો છે. ડીસીના પ્રવક્તા વીટો મેગિલિયો એ કહ્યું કે કેટલાંય લોકોએ પૂરથી બચવા માટે પોતાની કારની છત પર ચઢી જવું યોગ્ય સમજ્યું, ત્યારબાદ રેસ્કયૂ કરાયું. કનાલ રોડ પર કેટલાંય લોકોનું રાહત અને બચાવ કાર્ય દ્વારા સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાયું છે.
હવામાન વિભાગે આવતા બે દિવસ સુધી ભારે વરસાદ રહેવાની આશંકા વ્યક્ત કરાઇ છે.