Face Of Nation 03-05-2022 : અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સોમવારે મોડી સાંજે એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. જોકે બાળકીના પિતાએ સિંહ પાછળ દોટ મૂકી બાળકીને સિંહના મોઢામાંથી છોડાવી હતી, પણ અફસોસ પિતા પોતાની વહાલસોયી દીકરીને બચાવી શક્યા ન હતા. બીજીતરફ અમરેલી જિલ્લાના બગસરના કડાયા ગામે સુક્રમભાઈ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની એક 5 વર્ષીય દીકરી નિકિતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે અચાનક એક સિંહ આવી ચડ્યો હતો અને બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. જોકે પિતા સુક્રમભાઈનું ધ્યાન જતાં તેમણે સિંહ પાછળ દોડ મૂકી હતી.
સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો
ગામલોકોના કહેવા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને તેને બચાવવાના અઢળક પ્રયાસ કર્યા હતા, પણ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જાણ થતાં વન વિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયાં હતાં. ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. તો બીજીતરફ ગ્રામજનોએ સ્થળ પર સિંહને તાકીદે ઝડપી પાડવા માટે ઉગ્ર માગ ઉઠાવી હતી. ખેડૂતોને કેવી રીતે વાડી વિસ્તારમાં અવરજવર કરવી સહિત અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માગ ઉઠાવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).