Face Of Nation 03-05-2022 : નવસારીના ધોળાપીપળાના પડઘા પાટીયા પાસે ગઈકાલે કન્ટેનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. જેની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પોલીસને જાણકારી મળી હતી કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે ડ્રાઈવરે આ રૂટ પસંદ કર્યો હતો. ત્યારે 1 હજાર જેવી નજીવી રકમના કારણે એક પરિવારનો માળો વેખેરાયો હતો. જો કન્ટેનર ચાલકે ટોલ-વે પર જ કન્ટેનર ચલાવ્યું હોત તો 5 જિંદગી મોતના મુખમા જતા બચી ગઈ હોત.
ટોલનાકાના 1,000 રૂ. બચાવવા માટે આ રૂટ પસંદ કર્યો
નવસારી ગ્રામ્ય પોલીસે સ્થળ પરથી જ 55 વર્ષીય ડ્રાઈવર સંજય ઠાકુરની ધરપકડ કરી હતી અને તેની પુછતાછ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તે 25 વર્ષથી ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે ગઈકાલે કન્ટેનર ટર્ન લેવામાં ગફલત થતાં અકસ્માત થયો હતો. પોલીસે વધુ જાણકારી મેળવી હતી કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે તેણે આ રૂટ પસંદ કર્યો હતો. સાથે જ મોટાભાગના કન્ટેનર ડ્રાઈવરો ટોલનાકાના પૈસા બચાવવા માટે આ રૂટ પરથી પસાર થતા હોય છે. કન્ટેનર ચાલકે ટોલ બચાવવા માટે જાહેરનામાનો ભંગ કરી આ હાઈવે પર કન્ટેનર ચલાવ્યું હતું. જેને લઈ માત્ર 1 હજાર રૂપિયા જેવી નજીવી રકમના કારણે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં આ ડ્રાઇવર વિરુદ્ધ ફીટકારની લાગણી વરસી રહી છે.
કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો
કન્ટેનર ચાલકો મોટેભાગે ટોલના પૈસા બચાવવા માટે શહેરના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ રસ્તાઓ પરથી પસાર થતા કાર અને ટુ-વ્હીલર સાથે અકસ્માત થતા મોટી દુર્ઘટના બનતી હોય છે. ગઈકાલે સાંજે 5:30 વાગ્યે નવસારીના ધોળાપીપળા પડઘા પાટીયા પાસે કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા પારખી કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહિત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યાં હતા. ત્યારે આજુબાજુના ગ્રામજનોએ પણ ગેરકાયદેસર રીતે રોડનો ઉપયોગ થતો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
ડ્રાઈવરે ટર્ન લેવામાં ગફલત કરતા અકસ્માત થયો
પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ પટણીએ જણાવ્યું હતું કે, આ ડ્રાઈવરે કન્ટેનરને ટર્ન લેવામાં ગફલત કરી હતી, જેથી પ્લાસ્ટિકના દાણા ભરેલું કન્ટેનર ઇકો કાર પર પડતા અકસ્માત થયો હતો. ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા તેણે આ રોડ પરથી પસાર થવાનું પસંદ કર્યું હતું.
મોરારીબાપુએ પણ સંવેદના વ્યક્ત કરી
ઉત્તર પ્રદેશના લલિતપુર ખાતે હાલ મોરારિબાપુની રામકથા શરૂ છે ત્યારે બાપુને આ અકસ્માતની ઘટનાની જાણ થતા તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમજ મોરારીબાપુએ મૃતક દીઠ પાંચ હજાર એમ પાંચ મૃતકોના પરિવારજનોને 25,000 રૂપિયા આપવા માટે તેમણે પોતાના પ્રતિનિધિને મૃતકોના પરિવારને ત્યાં મોકલ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).