Home News નવસારી: માછીમારી માટે અબુધાબી ગયેલા મેંધર ભાટના 5 માછીમારોને વેપારીએ જબરજસ્તીથી...

નવસારી: માછીમારી માટે અબુધાબી ગયેલા મેંધર ભાટના 5 માછીમારોને વેપારીએ જબરજસ્તીથી ત્યાં જ રોકી રાખતા ફસાયા

માલિકે જબરજસ્તી ત્યાં જ રોકી રાખતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા
પાછા ફરવાની મંજૂરી નહીં આપતા 5 ખલાસીઓની સ્થિતિ દયનિય બની

Face Of Nation:સુરત ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામના 5 માછીમારોને 7 મહિના અગાઉ એક આરબ વેપારીએ માછીમારીના વ્યવસાય માટે અબુધાબીમાં બોલાવતા તેઓ ત્યાં ગયા હતાં. જ્યાં આ માછીમારોને વેપારીએ જબરજસ્તીથી ત્યાં જ રોકી રાખી તેમને મહેનતાણું પણ નહીં ચૂકવતાં તેઓ તકલીફમાં મુકાયા છે.

31 ડિસેમ્બર 2018એ અબુધાબી ગયા હતા

ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના ગામોના મોટાભાગમાં લોકો માછીમારીના વ્યવસાય પરજ નભતા હોય છે. ગલ્ફ દેશોના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આરબ વેપારીઓ અહીંના માછીમારોને સ્પોન્સર કરી માછલી પકડવા બોલાવતા હોય છે. સારા નાણાં કમાવવાની આશાએ ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર અને ભાટ ગામેથી 5 માછીમારો મગન રામજીભાઈ ટંડેલ (ઉ.વ. 56), દિનેશ રામજીભાઈ ટંડેલ (ઉ.વ. 43), ચંપક કાનજીભાઈ ટંડેલ (ઉ.વ. 30), રાજેશ કાંતિભાઈ ટંડેલ (ઉ.વ. 49 તમામ રહે. કુવા ફળિયા, ભાટ, તા. ગણદેવી) અને રાજેશ ગૌરીશંકરભાઈ ટંડેલ (ઉ.વ. 49, રહે. વચલા ફળિયા, મેંધર, તા. ગણદેવી)એ સંયુક્ત આરબ અમીરાતના આબુધાબી ખાતેના બોટ માલિક વેપારી જાસેમ રાશેદ અલી અલ હસીબ અલઝાબીએ તેની બોટ (નં. AF/2132) પર મચ્છીમારી માટે ખલાસી તરીકે સ્પોન્સર કરી બોલાવ્યા હતા. જેને પગલે આ પાંચેય જણાં 31 ડિસેમ્બર 2018 એક ખલાસી પછી બાદમાં અન્ય ચાર માછીમારો આબુધાબી ખાતે મુંબઇ એરપોર્ટથી રવાના થયા હતા.

માછીમારોનો પાસપોર્ટ પણ લઈ લીધો

પાંચેય માછીમારો જાસેમ રાશેદ અલી અલ હસીબ અલઝાબીની બોટ પર કામ કરતા હતા. તેમણે બેવારની મચ્છીમારી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેઓએ બોટ દ્વારા લાખ્ખો રૂપિયાની મચ્છી, કરચલા, જિંગા પકડ્યા હતા. બોટ માલિકે આ પાંચેય ખલાસીઓને તેમના હિસ્સાના નાણાં તેમને ચૂકવ્યા ન હતા અને કામ કરાવતો રહ્યો હતો. દરમિયાન આબુધાબીની સરકારે સિઝન 1લી મે 2019એ પૂર્ણ થતાં આ સમય દરમિયાન માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેથી ત્યાં કામ કરવા ગયેલા 300થી વધુ ખલાસીઓ સ્વદેશ પરત ફર્યા હતા પરંતુ જાસેમ રાશેદઅલી અલઝાબીએ તેમને જબરજસ્તી અબુધાબીમાં રોકી રાખ્યા હતા અને તેમનો પાસપોર્ટ પણ લઈ લીધો હતો. સરકારે ફરમાવેલા પ્રતિબંધ છતાં તેમની પાસે જબરજસ્તી નાની બોટમાં ફિશિંગ કરાવ્યે રાખતો હતો. તેમને મહેનતાણાના નાણાં પણ નહીં આપતા અને તેમને પાછા ફરવાની મંજૂરી નહીં આપતા આ 5 ખલાસીઓની સ્થિતિ દયનિય બની છે. તેમણે ત્યાંની સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેમના પાસપોર્ટ પરત મેળવી આપ્યા હતા.

ક્લિયરન્સ ન થતાં એરપોર્ટ પર અટકી પડ્યા

21મી જૂનની ટિકીટ મળતાં તેઓ અબુધાબીથી શારજાહ એરપોર્ટ આવ્યા હતા પરંતુ બોટ માલિકે આ પાંચેય પર ત્યાંની પોલીસમાં લેણાના રૂપિયા નીકળતા હોવાનો દાવો કરતા તેમનું ત્યાંનું એરપોર્ટનું ક્લિયરન્સ નહીં થતાં તેઓ શારજાહ ઓરપોર્ટ જ અટકી પડ્યા હતા અને અબુધાબી પરત ફરવું પડ્યું હતું.

વિદેશ મંત્રાલાય સાથે સંપર્કમાં

આબુધાબીમાં ફસાયેલા મેંધર-ભાટના 5 ખલાસીઓના પરિવારજનો મળવા આવ્યા હતા. તેમની વેદના સાંભળી વિદેશ મંત્રાલયને જાણ કરી તેમને પરત લાવવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે. તેઓને વહેલા વતન પરત લાવવા પ્રયત્નશીલ છું.
– સી.આર.પાટીલ, સાંસદ, નવસારી

પરિવારની તકલીફમાં વધારો

પાંચેય ખલાસીઓના પરિવારો શ્રમજીવી પરિવાર હોય તેમની આર્થિક મુશ્કેલી વધી છે. અહીં પરિવારજનો મનરેગા યોજનામાં કામ કરતા હોય હાલ મનરેગાનું કામ બંધ થવાથી પરિવારની તકલીફમાં વધારો થયો છે. હાલ શ્રમજીવી પરિવારો મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.