Home Politics કર્ણાટક:રાજીનામું સ્વીકાર ન થતા બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના શરણે,કહ્યું- સ્પીકર જાણી જોઈને...

કર્ણાટક:રાજીનામું સ્વીકાર ન થતા બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના શરણે,કહ્યું- સ્પીકર જાણી જોઈને મોડું કરે છે

બળવાખોર ધારાસભ્યોએ પત્ર લખીને મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી
ધારાસભ્યોએ કહ્યું હતું કે, અમને મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા શિવકુમારથી જોખમ છે
મુંબઈ હોટલ બહાર મહારાષ્ટ્ર રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ તહેનાત

Face Of Nation:કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજીનામું સ્વીકાર ન થતાં કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે . તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને વાર કરી રહ્યા છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, રમેશ કુમાર તેમના બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યા. તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી ગુરુવારે કરે તેવી શક્યતા છે.

વિધાનસભા સ્પીકર રમેશ કુમારે મંગળવારે 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યું કે, 13માંથી 8 રાજીનામા કાયદાકીય રીતે સાચા નથી. આ વિશે રાજ્યપાલ વજુભાઈ પટેલને પણ માહિતી આપવામાં આવી છે. કોઈ પણ બળવાખોર ધારાસભ્યએ મારી સાથે મુલાકાત નથી કરી. મેં રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો છે કે, હું બંધારણ અંતર્ગત કામ કરીશ. જે પાંચ ધારાસભ્યોના રાજીનામા યોગ્ય છે તેમાંથી 3 ધારાસભ્યોને 12 જુલાઈ અને 2 ધારાસભ્યોને 15 જુલાઈએ મળવાનો સમય આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટલમાં છે. મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસ નેતા શિવકુમારને મુંબઈ પોલીસે હોટલમાં જતા રોક્યા છે. આ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેમણે અહીં રુમ બુક કરાવ્યો છે. અમુક મિત્રો અહીં રોકાયા છે. તેમની વચ્ચે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. હું માત્ર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માંગુ છું. અહીં ડરાવવા-ધમકાવવાની કોઈ વાત નથી. અમે એક બીજાનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ જેડીએસ નેતા એન.ગૌડાના સમર્થકો રેનેસાં હોટલની બહાર શિવકુમાર ગો બેકની નારેબાજી કરી રહ્યા છે.

હોટલની બહાર તહેનાત પોલીસ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેઓ તેમનું કામ કરે છે. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. અમે એક સાથે રાજકારણમાં જન્મ લીધો છે અને એક સાથે જ મરીશું. તેઓ અમારી પાર્ટીના લોકો છે અને અમે તેમને મળવા આવ્યા છીએ.

બળવાખોર ધારાસભ્યોએ પોલીસ પાસે સુરક્ષા માંગીઃ મુંબઈની રેનેસા હોટલમાં રોકાયેલા કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્યોને મનાવવા કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમાર અને જેડીએસ ધારાસભ્ય શિવલિંગે ગૌડા બુધવારે ખાસ વિમાનથી બેંગ્લુરુથી મુંબઈ પહોંચ્યા હતા. અહીં બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, તેમને મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારથી જોખમ છે. આ વિશે ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી છે.

અમે શિવકુમારને મળવા નથી માગતાઃ પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે સાંભળ્યું છે કે, સીએમ અને ડીકે શિવકુમાર હોટલમાં આવવાના છે. તે કારણથી અમે ડરેલા છીએ. અમે તેમને મળવા નથી માંગતા. પોલીસને આગ્રહ છે કે, તેમને હોટલમાં આવતા રોકવામાં આવે. પત્રમાં 10 ધારાસભ્યો શિવરામ હેબર, પ્રતાપ ગૌડા પાટિલ, બીસી પાટિલ, એસટી સોમેશેખર, રમેશ જારકિહોલી, બી બસ્વરાજ, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, નારાયણ ગૌડા અને મહેશ કુમુતાલીના હસ્તાક્ષર છે.

કોંગ્રેસે કુમારસ્વામીને ખૂબ પરેશાન કર્યાઃ જેડીએસ ધારાસભ્ય એન ગૌડાએ કહ્યું કે, અમે ગઠબંધન સરકારથી સંતુષ્ટ નથી. કારણકે બંને પાર્ટીઓમાં કોઈ એકતા નથી. કોંગ્રેસે એચડી કુમારસ્વામીને ખૂબ પરેશાન કર્યા છે. તેઓ જે ઈચ્છે તે તેમને કરવા દેવામાં નથી આવતું. તેઓ જ્યારે અમને બોલાવશે ત્યારે અમે સ્પીકરને મળીશું. અમે પાર્ટી નથી છોડી માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.

અમે અહીં પૈસા માટે નથી આવ્યાઃ એક ધારાસભ્યએ હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ)ના આરોપ વિશે કહ્યું છે કે, અમે અહીં પૈસા માટે નથી આવ્યા. અમને કોઈ પૈસા નથી આપી રહ્યું. અમે પાર્ટીને 100 વખત અમારી સમસ્યા જણાવી છે પરંતુ તેમણે કદી કશું સાંભળ્યું નથી. અમુક મંત્રીઓ અમારી મજાક ઉડાવતા હતા. ધારાસભ્ય નારાયણ ગૌડાએ જણાવ્યું કે, અમને માહિતી મળી છે કે, મુખ્યમંત્રી અને શિવકુમાર અહીં ધારાસભ્યો સાથે વાત કરવા આવી રહ્યા છે. પરંતુ અમે તેમની સાથે કોઈ બેઠક કરવા નથી માંગતા. તેથી પોલીસને સુરક્ષા આપવા કહ્યું છે.

સરકારને અસ્થિર કરવી ભાજપની આદત- સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયાએ કહ્યું કે, સરકારને અસ્થિર કરવી ભાજપની આદત છે. આ અલોકતાંત્રિક છે. જનતાએ અમને બહુમતી આપી. જેડીએસ અને કોંગ્રેસને 57%થી વધુ વોટ મળ્યા. રાજકીય સંકટ માટે ફક્ત ભાજપની રાજ્ય શાખા જ નહીં, પરંતુ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રીય સ્તરના નેતા પણ સામેલ થયા છે. તેમના આદેશ પર સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે સ્પીકરને પક્ષપલટાના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરીએ છીએ. અમે અમારા પત્રમાં અપીલ કરી છે કે તેઓ તેમને ફક્ત અયોગ્ય જ નહી પરંતુ તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દે.

કોંગ્રેસના 11 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું
ઉમેશ કામતલ્લી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, શિવારામ હેબ્બર, એચ વિશ્વનાશ, ગોપોલૈયા, બી બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા,પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહ રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્ય રોશન બેગે પણ મંગળવારે રાજીનામું આપી દીધું છે.