Home News “લંકામાં રાજકીય સંકટ”; મહિન્દા રાક્ષપક્ષે આપ્યું રાજીનામું, વિપક્ષના દબાણ હેઠળ ઝૂક્યા, દેશના...

“લંકામાં રાજકીય સંકટ”; મહિન્દા રાક્ષપક્ષે આપ્યું રાજીનામું, વિપક્ષના દબાણ હેઠળ ઝૂક્યા, દેશના અનેક વિસ્તારોમાં હિંસા-અથડામણનું વધ્યું જોખમ!?

Face Of Nation 09-05-2022 : આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણ સામે રાજીનામું આપી દીધું છે. ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે, પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે. એ બાદ વચગાળાની સરકાર બનશે. તો બીજી બાજુ, શ્રીલંકાના અનેક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ આ હિંસક દેખાવનો ખતરો વધી ગયો છે. હકીકતમાં તેમના મોટા ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે નહોતા ઈચ્છતા કે મહિન્દા રાજપક્ષે રાજીનામું આપે, પરંતુ વિપક્ષની માગ સામે તેમને ઝૂકવું પડ્યું. બીજી બાજુ, તેમને પોતાના સમર્થકોને રસ્તા પર ઉતારી દીધા છે. હવે રાજપક્ષે ભાઈઓના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણ શરૂ થઈ ગઈ છે.
રાજીનામા પહેલાં રાજપક્ષે ટ્વીટ કર્યું
આ પહેલાં રાજપક્ષેએ ટ્વીટ કર્યું હતું કે “શ્રીલંકામાં ભાવનાઓનું પૂર જોવા મળી રહ્યું છે, એવામાં હું લોકોને સંયમ રાખવા અને એ વાત યાદ રાખવાની અપીલ કરું છું કે હિંસાથી માત્ર હિંસા જ ફેલાશે. આર્થિક સંકટનો સામનો કરવા આર્થિક સમાધાનની જરૂરિયાત છે, જેના ઉકેલ માટે આ પ્રશાસન પ્રતિબદ્ધ છે.” તો બીજીતરફ રાજીનામું આપતાં પહેલાં રાજપક્ષેએ કહ્યું હતું કે તેઓ જનતા માટે કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર છે. તેમના આવાં નિવેદનથી તેવી અટકળોએ જોર પકડ્યું હતું કે રાજપક્ષે આજે રાજીનામું આપી દેશે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે પર આર્થિક સંકટનો સામનો કરી સરકાર પર દેશને બહાર કાઢવા માટે વચગાળાની સરકાર બનાવવાનું દબાણ વધી ગયું હતું.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ જાહેર કરી છે ઈમરજન્સી
શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેને કારણે સામાન્ય લોકો સરકારવિરોધી પ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે આ વિરોધપ્રદર્શનોને જોતાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી 6મી મેના રોજ ફરી ઈમરજન્સી લગાવી દીધી હતી. હવે સામાન્ય લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરી શકે. ઈમર્જન્સી શુક્રવારે અડધી રાતથી જ લાગુ કરી દેવાઈ છે. સંસદમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતાં સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનાએ શુક્રવારે જ સંસદ 17 મે સુધી સ્થગિત કરી દીધી હતી. વિપક્ષે પોલીસની કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો.
2021માં બાંગ્લાદેશે આપી હતી લોન
બાંગ્લાદેશે કરન્સી સ્વેપની સમજૂતી અંતર્ગત શ્રીલંકાને 200 મિલિયન ડોલરની સહાયતા મે 2021માં આપી હતી. શ્રીલંકાને લોન 3 મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ એ બાદ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું. એ બાદ બાંગ્લાદેશે લોન ચુકવણીની સમયમર્યાદા વધારી દીધી છે.
ભારતે અત્યારસુધીમાં 23 હજાર કરોડની મદદ કરી
આ સંકટના સમયમાં ભારત સતત શ્રીલંકાની મદદ કરી રહ્યું છે. ક્રેડિટલાઈન અને ક્રેડિટ સ્વેપ અંતર્ગત ભારત જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 23 હજાર કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. શ્રીલંકા આર્થિક સંકટને કારણે ખાદ્ય પદાર્થ અને ઈંધણની આયાત માટે પણ ચુકવણી નથી કરી શકતું.
તામિલનાડુ સરકારે મદદનો પ્રસ્તાવ પાસ કર્યો
તામિલનાડુ સરકારે પણ શ્રીલંકાને મદદ માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર શ્રીલંકાને ખાવાનું અને જીવનરક્ષક દવાઓ મોકલવા માગે છે. પ્રદેશ ભાજપે એક પત્ર લખીને સરકારની આ પહેલનું સ્વાગત કર્યું છે, સાથે જ સવાલો પણ ઉઠાવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુ સરકારની કેટલીક કાર્યવાહી માત્ર રાજકીય લાભ માટે હતી, ખાસ કરીને ઓપરેશન ગંગા દરમિયાન. તેથી અમે માત્ર એ વાતને લઈને ચિંતિંત છીએ કે આ પ્રસ્તાવ પણ આવી જ કવાયત ન બની જાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).