Face Of Nation 09-05-2022 : આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણ સામે રાજીનામું આપી દીધું છે. જે બાદ રાજધાની કોલંબો સહિત દેશના અનેક વિસ્તારમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જોરદાર હિંસક અથડામણ થઈ. જેમાં રુલિંગ પાર્ટીના સાંસદ અમરકીર્તિ અથુકોરલાનું મોત થયું છે. ભીડે પૂર્વ મંત્રી જોન્સટન ફર્નાન્ડોના માઉન્ટ લાવિનિયા વિસ્તારમાં આવેલા આલીશાન ઘરને આગ લગાડી દીધી છે. તેમના પરિવારને ભારે મુસીબત વચ્ચે બચાવી લેવાયો છે. એક સાંસદ સનથ નિશાંથાના ઘરને પણ સળગાવવાનો પ્રયાસ થયો. દેશમાં આ પ્રકારની અથડામણ ઝડપથી વધી રહી છે. માનવામાં આવે છે કે, રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે મુખ્ય શહેરોમાં સેના તૈનાત કરી શકે છે.
હિંસા કોના ઈશારે થઈ રહી છે
શ્રીલંકામાં અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યાં છે. આનાથી પણ મોટો ખતરો મહિન્દાના રાજીનામાથી ઊભો થઈ ગયો છે. તેમના મોટા ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે નહોતા ઈચ્છતા કે મહિન્દા રાજપક્ષે રાજીનામું આપે, પરંતુ વિપક્ષની માગ સામે તેમને ઝૂકવું પડ્યું. બીજી બાજુ, તેમને પોતાના સમર્થકોને રસ્તા પર ઉતારી દીધા છે. હવે રાજપક્ષે ભાઈઓના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણ શરૂ થઈ ગઈ છે.
સાંસદનું મોત કઈ રીતે થયું
શ્રીલંકાના મીડિયા મુજબ સાંસદ અમરકીર્તિ અથુકોરલા પોતાની કારમાં ગનર અને ડ્રાઈવરના સાથ નિટામબુવામાં એક રસ્તેથી પસાર થઈ રહ્યાં હતા. તેમની કાર પર રેડ લાઈટ હતી. આ રસ્તા પર સરકાર વિરોધી સેંકડો પ્રદર્શનકારીઓ ઊભા હતા. આ લોકોએ સાંસદની કારને ઘેરી લીધી અને સૂત્રોચ્ચાર કર્યાં. સાંસદ ગુસ્સામાં બહાર નીકળ્યા અને પર્સનલ પિસ્તોલથી ભીડ પર ફાયરિંગ કરી દીધું. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જે બાદ સાંસદ ભાગીને બાજુમાં આવેલી એક બિલ્ડિંગમાં સંતાય ગયા. થોડી વાર પછી તેમનો મૃતદેહ ત્યાંથી મળ્યો. હજુ સુધી સ્પષ્ટ નથી કે સાંસદ ભીડના હુમલામાં માર્યા ગયા કે મોતનું કારણ બીજું જ છે.
સરકાર વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણ
વિરોધ પ્રદર્શન કરી રહેલા સરકારના વિરોધીઓ મહિન્દા રાજપક્ષેના સમર્થકો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ. શ્રીલંકામાં અમેરિકી રાજદૂત જુલી ચુંગે આ અથડામણની નિંદા કરતા કહ્યું કે મહિન્દાના સમર્થકોના હુમલામાં 78 લોકો ઘાયલ થઈ ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).