2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ 52,000 કરતા વધુ મતથી રાહુલ ગાંધીને હરાવ્યા
ચૂંટણી પછી ત્રણ વખત અમેઠી જઈ આવી છે સ્મૃતિ ઈરાની
Face Of Nation: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે. અમેઠીથી ત્રણ વખત સાંસદ રહી ચુકેલા રાહુલ ગાંધીએ આ વખતે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે 55,120 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ હજુ પણ કેરળના વાયનાડથી સાંસદ છે.
ગામોની મુલાકાત કરશે રાહુલ ગાંધી
પાર્ટીના જિલ્લા પ્રવક્તા અનિલ સિંહના જણાવ્યા પ્રમાણે રાહુલ સલોન, અમેઠી, ગૌરીગંજ, જગદીશપુર અને તિલોઈ વિધાનસભા વિસ્તારોના બુથ અધ્યક્ષ સહિત પાર્ટીના પ્રતિનિધિઓને મળશે. આ સિવાય રાહુલ અમુક ગામોની પણ મુલાકાત લેશે.
રાહુલે અમેઠીમાં ત્રણ વાર પ્રતિનિધિત્વ કર્યું
રાહુલે પહેલીવાર અમેઠીથી 2004માં ચૂંટણી લડી હતી.તેઓ 2009 અને 2014માં પણ અહીંથી સાંસદ ચૂંટાયા હતા. અમેઠી કોંગ્રેસની પરંપરાગત સીટ માનવામાં આવે છે પરંતુ સ્મૃતિ ઈરાનીએ આ વખતે આ પરંપરા તોડી દીધી છે.
રાહુલને અમેઠીથી મળેલી હારની પાર્ટી સમીક્ષા કરી ચૂકી છે. સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્મા અને પ્રિયંકા ગાંધીનું રાજકીય કામકાજ જોતા જુબૈર ખાને ત્રણ દિવસ અમેઠીમાં રહીને હારની સમીક્ષા કરી હતી. ત્યારપછી રાહુલના પ્રતિનિધિ ચંદ્રકાંત દુબે અને કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ રાજીનામું આપ્યું હતું. તપાસ રિપોર્ટમાં શું સામે આવ્યું તે હજી સુધી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
જીત પછી 3 વખત અમેઠી પહોંચી સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની જીત પછી ત્રણ વખત અમેઠીની મુલાકાત લઈ ચૂક્યા છે. પહેલીવાર તેઓ 26મેના રોજ અમેઠી પહોંચ્યા હતા. જ્યારે તેમના નજીકના ખાસ નેતા સુરેન્દ્ર સિંહની હત્યા થઈ હતી. આ દરમિયાન તેમણે સુરેન્દ્ર સિંહની અર્થીને કાંધ પણ આપી હતી. બીજી વાર તેઓ 22 જૂનના રોજ અમેઠી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક બીમાર મહિલાને તેમની ગાડીથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારપછી તેઓ 6 જુલાઈએ પણ અમેઠી ગયા હતા.