Face Of Nation 20-05-2022 : રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક બાદથી રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાનો અંદાજે છે. એવામાં લોકોને ગરમીથી રાહત મળવાના સંકેત છે. એવામાં કાલથી અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે
હવામાન વિભાગના અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી 26 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તો બીજીતરફ અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ રહ્યો છે, આ વચ્ચે આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. 18મી બાદ ગુજરાત ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન 45 ડિગ્રીથી વધે એવી સંભાવના નહિવત્ છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 10મીથી 15 જૂન વચ્ચે અને 15મીથી 20મી જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27મી મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).