Home News શામળાજી- ભિલોડા રોડ પર ડમ્પર સાથે બાઈકનો અકસ્માત,બાઈક ચાલક સહિત બે લોકોના...

શામળાજી- ભિલોડા રોડ પર ડમ્પર સાથે બાઈકનો અકસ્માત,બાઈક ચાલક સહિત બે લોકોના મોત

Face Of Nation:મોડાસા શામળાજી ભિલોડા રોડ પરના શામળપુર પાસે રાત્રિ સમયે સામેથી આવતા ડમ્પર અને બજાજ એવેન્જર બાઇક ટકરાતાં બાઇકચાલક 24 વર્ષિય આર્મી જવાન અને તેના મિત્રનું અકસ્માતમાં ઘટનાસ્થળે મોત નિપજયુ હતું. માર્ગ અકસ્માતમાં ભિલોડાના દુથારિયાના આર્મીજવાન અને તેના મિત્રનુ મોત થતા વિધવા માતા ઉપર આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું.

ભિલોડા તાલુકાના નાના કંથારીયાનો આર્મીજવાન અને તેનો મિત્ર બાઇક લઇને તાલુકાના ખેરાડી ગામે મિત્રને મળવા ગયા હતા. બંને મિત્રો બાઇક નંબર જીજે-31 સી 4426 લઇને ભિલોડા શામળાજી રોડ પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના 9-3 કલાકે શામળપુર પાસેથી બંને પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ડમ્પર નંબર જીજે-09-એવી-8217ના ચાલકે સામેથી આવતી બાઇકને બંને ટક્કર મારતાં બાઇકના ફૂરચેફૂરચા બોલાઇ ગયા હતા અને બંને મિત્રોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ અંગે આર્મીજવાનના વિધવા માતા દીપીકાબેન શૈલેષભાઇ ઇમાનીયત સુવેરાએ શામળાજી પોલીસને જાણ કરતા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

અકસ્માતનો ભોગ બનેલ આર્મીજવાન મયુરની વિધવા માતા દીપીકાબેન સુવેરાએ જણાવ્યું કે પુત્ર નાનો હતો ત્યારે તેના પિતા ગુજરી જતા પિયરમાં રહીને અત્યંત ગરીબીમાં બોર અને માટલા વેચીને એકના એક પુત્ર મયુરને ભણાવી ગણાવી મોટો કર્યો હતો. આર્મીમાં નોકરી લાગતા મારી મજુરી લેખે લાગી હતી. પરંતુ એકનો એક વ્હાલસોયો પુત્ર ગુમાવતા જીવન હવે દોહલ્યુ થઇ પડયાનું જણાવ્યું હતું.છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતા મયુરની બદલી ગત માસે ઝાંસી થઇ હતી અને તે ઝાંસી એક મહિનો નોકરી કરીને 4 જુલાઇએ એક મહિનાની રજા લઇને ઘરે આવ્યો હતો.