Home Politics નીતીશ કુમારે ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી પટનામાં રહેવાનું જાહેર કર્યું “ફરમાન”,...

નીતીશ કુમારે ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી પટનામાં રહેવાનું જાહેર કર્યું “ફરમાન”, નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે બંધ રૂમમાં કરી બેઠક!

Face Of Nation 23-05-2022 : બિહારના રાજકારણમાં હાલ ઊથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ, લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કર્યું છે. બીજી તરફ, બીજેપીની સાથે મળીને રાજ્યમાં સરકાર ચલાવી રહેલા નીતીશ કુમારે પોતાની પાર્ટી જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યો માટે આગામી 72 કલાક સુધી પટનામાં રહેવાનું ફરમાન જાહેર કર્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આ નિવેદન પછી રાજકીય હલચલ થઈ છે. આગામી 72 કલાક બિહારના રાજકારણ માટે ખૂબ જ મહત્ત્વના હોવાનું કહેવાઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં રાજકીય ફેરબદલીની ચર્ચા
મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને સતત મળી રહ્યા છે. નીતીશ કુમારની હાલની સક્રિયતાને જોતાં રાજ્યમાં ફેરબદલીની પણ ચર્ચા ચાલી રહી છે. શું નીતીશ કુમાર એક વખત ફરી પલટી મારીને બીજેપીથી અલગ થઈને આરજેડીની સાથે સરકાર બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે? એમ કહેવાઈ રહ્યું છે કે આ તમામ સવાલોના જવાબ આગામી 72 કલાકમાં મળી શકે છે.
પૂર્વધારાસભ્યો સાથે પણ નીતીશે મુલાકાત કરી
સીએમ નીતીશ કુમાર એક દિવસ પહેલાં જ પાર્ટી કાર્યાલયમાં પોતાના મંત્રીઓ અને ધારસભ્યોની સાથે-સાથે પૂર્વ ધારાસભ્યોને પણ મળ્યા હતા. આ બેઠક પછી નીતીશે લાલુ પરિવાર પર રેડ પડવાને લઈને કરવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જેણે રેડ કરી છે તે જ આ અંગે કહી શકશે. નીતીશના આ નિવેદનને લાલુ પરિવાર પર રેડ માટે બીજેપી જવાબદાર હોવાના રૂપમાં જોવામાં આવે છે.
ઈફતાર પાર્ટીએ નીતીશ અને તેજસ્વી વચ્ચેનું અંતર ઘટાડ્યું
બિહારમાં છેલ્લા એક મહિનાના ઘટનાક્રમને જોવામાં આવે તો ત્રણે એવી ઘટના બની કે મુખ્યમંત્રી નીતીશકુમાર અને વિરોધપક્ષના તેજસ્વી યાદવ એકસાથે જોવા મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેજસ્વી યાદવે નીતીશ કુમારને ઈફતાર પાર્ટીમાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલ્યું છે. જોકે તેઓ ક્યારેય એમાં સામેલ થવા માટે ગયા નહોતા. આ વખતે નીતીશ કુમાર સામે ચાલીને રાબડી દેવીના નિવાસસ્થાને ઈફતાર પાર્ટીમાં સામેલ થવા માટે પહોંચી ગયા હતા.
ઝડપથી સર્વદળીય બેઠક બોલાવવામાં આવશેઃ નીતીશ
આરજેડી પછી નીતીશની પાર્ટી જેડીયુએ પણ ઈફતારની પાર્ટી આપી હતી, જેમાં તેજસ્વી યાદવ અને લાલુ પરિવારના તમામ સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવ પણ જેડીયુની ઈફતાર પાર્ટીમાં પહોંચ્યા અને નીતીશ કુમારની સાથેનું અંતર ઘટ્યું. બિહારમાં જાતીય ગણતરીના મુદ્દે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે બંધ રૂમમાં બેઠક કરી હતી. બિહારમાં જાતીય વસતિ ગણતરીના મુદ્દે તેજસ્વી યાદવે નીતીશ કુમારને મળવાનો સમય માગ્યો હતો અને નીતીશે તેને 24 કલાકની અંદર જ મળવા માટે બોલાવી દીધો હતો. મુલાકાત દરમિયાન નીતીશે તેજસ્વીને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જાતીય વસતિ ગણતરીના પક્ષમાં છે અને એના માટે ઝડપથી સર્વદળીય બેઠક બોલાવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).