Face Of Nation 24-05-2022 : હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઢેબર રોડ, યાજ્ઞીક રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજીડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 MM, વેસ્ટ ઝોનમાં 0 MM અને ઇસ્ટ ઝોનમાં 13 MM વરસાદ નોંધાયો છે. શહેરના કુવાડવા રોડ પર સૌથી વરસાદ નોંધાયો છે. અહીં થોડી જ મિનીટોમાં અડધો ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા વરસાદમાં યુવાનો ન્હાવા માટે બહાર નીકળી ગયા હતા.
આખો દિવસ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા
ધોધમાર વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખો દિવસ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. જોકે સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જોકે બફારાનું પ્રમાણ વધતા લોકો પણ પરેશાન થયા હતા.
વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ઉનાળુ પાક તલ, બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ તલ અને બાજરીનો પાક તૈયાર થવા પર છે અને વરસાદથી તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેરી પકવતા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
અડધો ઈંચ વરસાદમાં લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું
રાજકોટમાં જેવો વરસાદ પડ્યો તરજ જ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. જ્યાં માત્ર અડધો ઇંચ વરસાદ આવ્યો અને બાપુનગર વિસ્તારની અંદર લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક બાજુ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રિ-મોન્સૂન પ્લાનને લઈને 3 મિટિંગો થઇ છે. હાલ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).