Face Of Nation 24-05-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલનો ફેસ વન ઓગસ્ટ 2022માં શરૂ કરવાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં રૂપિયા 10,000 કરોડના ખર્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જોકે મેટ્રો રેલના રૂટ પર ક્યાંય પણ નાગરિકો માટે વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી નથી. અમદાવાદમાં પાર્કિંગના મુદ્દાને કોઈ સિરિયસલી લેતું જ નથી. મ્યુનિ.વાળા મેટ્રો કોર્પોરેશન પર ઢોળે છે અને મેટ્રોવાળા કહે છે કે અમારું કામ તો મેટ્રોને બનાવીને એને ચલાવવાનું છે. પાર્કિંગની સમસ્યામાં અમે શા માટે પડીએ, એ તો સ્થાનિક બોડીએ જોવાનું હોય. પાર્કિંગની સુવિધા નહીં હોય તો કરોડોના ખર્ચે બની રહેલો અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પણ BRTSની જેમ ફેલ જશે એ નક્કી છે.
AMC દ્વારા પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ નથી
મેટ્રો સ્ટેશનની નીચે આસપાસ જ્યાંથી સરળતાથી લોકો વાહન પાર્ક કરીને મેટ્રો સ્ટેશન પર જઈને ટ્રેનમાં બેસી શકે એના માટે વાહન પાર્કિંગ જરૂરી છે, પરંતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન કે AMC દ્વારા ક્યાંય પણ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી નથી. જોકે મેટ્રો રેલ રૂટ પર પાર્કિંગની વ્યવસ્થા કોણે કરવી એ હજી સુધી નક્કી ન હોય એમ જણાય છે, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે બંને એકબીજા પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવાની હોય એવું જણાવી રહ્યા હતા. આ સ્થિતિમાં બીઆરટીએસ પ્રોજેક્ટ પાર્કિંગને કારણે જેમ ફેલ ગયો છે એમ મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ પાર્કિંગની સમસ્યાને કારણે ફેલ જાય એવી શક્યતા છે.
વાહન રોડ પર પાર્ક કરવા પડે એવી સ્થિતિ
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલમાં બેસવા માટે નાગરિકો જ્યારે રેલવે સ્ટેશન પર પહોંચે ત્યારે તેમને જો વાહન પાર્ક કરવા હશે તો રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડશે, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંય પણ વાહન પાર્કિંગ કરવા માટે આખા પ્રોજેક્ટમાં વિચારણા કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અંકુર પાઠકે જણાવ્યું હતું કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી. જે-તે લોકલ બોડી અથવા કોર્પોરેશન દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે.
ટ્રાફિકને ધ્યાનમાં રાખ્યો, પણ પાર્કિંગ ભુલાયું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે મેટ્રો રેલ સ્ટેશન નીચે બે મીટરનો રોડ આવેલો છે, જ્યાં જો બાઈક પર પાર્ક કરવામાં આવે તો રોડ પરથી બહાર કાઢતી વખતે સમસ્યા ઊભી થઈ શકે છે. મેટ્રોની નજીકના રૂટ પર આવતા એવા 80 રોડની માહિતી પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. મેટ્રો રેલના સ્ટેશન અને તેની આસપાસમાં પાર્કિંગની વ્યવસ્થા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવાની રહે છે. AMC દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને જ્યાં મેટ્રો રેલ પસાર થાય છે તેની આસપાસના રસ્તાઓને આઈડેન્ટિફાઇ કરીને પોલીસ કમિશનરને ટ્રાફિકની સરળતાને ધ્યાનમાં રાખી યાદી સોંપી દેવામાં આવી છે.
બસ-રિક્ષામાં પૈસા ખર્ચીને સ્ટેશન સુધી આવવું પડશે
અમદાવાદીઓને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે મેટ્રો રેલ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકો અને જે રીતે વાહન પાર્કિંગ જરૂરી છે એ જ આખા પ્રોજેક્ટમાં ક્યાંય વિચારણા કરવામાં આવી નથી. વાહન પાર્કિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા પર નિર્ભર હોય એવું લાગી રહ્યું છે. ત્યારે શું ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન કે મેટ્રો રેલ કોર્પોરેશન નાગરિકોને વાહન પાર્કિંગ આપી શકશે એ પછી બીઆરટીએસમાં જે રીતે લોકોને જવા માટે વાહન પાર્કિંગ ક્યાંય નથી એમ મેટ્રો રેલના સ્ટેશન પર પણ ત્યાં વાહન પાર્કિંગ નહીં મળે અને લોકોને બસ કે રિક્ષામાં પૈસા ખર્ચીને મેટ્રો રેલ સ્ટેશન સુધી આવવું પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat અમદાવાદમાં 10,000 કરોડનો પ્રોજેક્ટ, ભૂલાયું પાર્કિંગ; મેટ્રોમાં બેસતા પહેલાં “પાર્કિંગની વ્યવસ્થા” જાતે...