Home News ગુજરાત સરકારની નવી લોલીપોપ : ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે,...

ગુજરાત સરકારની નવી લોલીપોપ : ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે, વિધાનસભાની ચૂંટણી નજીક આવે ત્યારે ઘટાડો સંભવ, હાલ નહીં?

Face Of Nation 25-05-2022 : કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી (આબકારી જકાત)માં ઘટાડો કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે ત્યારે સૌ કોઈની મીટ હવે રાજ્ય સરકાર તરફ મંડાઈ છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પોતાની હાજરી પુરાવશે. સૌકોઈ અપેક્ષા રાખી રહ્યાં છે કે ગુજરાત સરકાર પણ વેટમાં ઘટાડો કરી અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. રાજ્ય સરકારનું નાણાં વિભાગ આંતરિક ગણતરી એવી રીતે કરી રહ્યું છે કે ગુજરાતમાં હયાત પેટ્રોલ અને ડીઝલના ભાવની સરખામણી અન્ય 11 રાજ્યો સાથે કરવામાં આવી રહી છે. આ સરખામણી પ્રમાણે ઉત્તરાખંડમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી ઓછા ભાવ અનુક્રમે રૂ. 95.22 અને 90.26 છે જ્યારે ઉત્તરાખંડમાં પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 16.97 ટકા અને 17.15 ટકા વેટના દર લાગુ છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર હાલ શેષનું પ્રમાણ 4 ટકા
દેશમાં બીજા ક્રમે હાલના તબક્કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાના પ્રમાણમાં ઉત્તર પ્રદેશ કે જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનુક્રમે રૂ. 96.42 અને રૂ. 89.62 જ્યારે વેટનો દર અનુક્રમે 19.36 અને 17.08 ટકા અમલી છે. જ્યારે 12 રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાનું પ્રમાણમાં ત્રીજા ક્રમે છે જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 97.12 અને 92.87 છે જ્યારે વેટના દર અનુક્રમે 13.70 ટકા અને 14.90 ટકા છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર હાલ શેષનું પ્રમાણ 4 ટકા છે.
રાજ્યને સૌથી વધુ આવક પેટ્રોલિયમ પ્રોડક્ટ પર
કોઈ પણ સરકારને આવક મેળવવા માટે પોતાના સ્ત્રોત પર નિર્ભર રહેવું પડતું હોય છે ત્યારે સર્વિસ ટેક્સના માધ્યમથી વધારેમાં વધારે આવક મળે તે માટે સરકાર પ્રયત્ન કરતી હોય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ જ એવી છે કે જેના માધ્યમથી સૌથી વધારે સરકારને વેરા મારફતે આવક થઈ શકે છે. તો બીજીતરફ ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલ પર હાલ 4 ટકા શેષ લાગુ કરવામાં આવી છે ત્યારે શેષ એટલે સરકાર માટે આવકનું એક એવું માધ્યમ કે કોઈ ચોક્કસ હેતુ માટે લાગુ કરવામાં આવતું હોય છે. આ હેતુ સમયાંતરે બદલાતાં રહેતા હોય છે. ઉદાહરણ તરીકે કોવિડના સમય દરમિયાન સરકારી તિજોરીમાંથી વધારે ખર્ચ થયો હતો ત્યારે શેષના માધ્યમથી મળેલી આવકનો ઉપયોગ કોવિડ સમયમાં થયેલા ખર્ચને પહોંચી વળવા થાય છે તો ક્યારેક ઈન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ માટે પણ કરાતો હોય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા હોવાના ક્રમમાં ગુજરાત
હાલના તબક્કે અન્ય 11 રાજ્યોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાના ક્રમમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ત્યારે સરકારની કોઈ પણ પ્રકારની ગતિવિધી ભાવ ઘટાડવાને લઈને જોવા મળતી નથી પરંતુ આગામી સમયમાં જો રાજકીય દબાણ વધે છે તો તેવા સંજોગોમાં ગુજરાત સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.
CNGના ભાવમાં ફેરફાર કરવા વિચારણા
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાને બદલે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીયલ સીએનજીના ભાવ ઘટાડવા અંગે આગામી સમયમાં વિચારણાં કરી શકે છે. જો કે હાલ આ મુદ્દો માત્ર વિચાર પૂરતો જ નાણાં વિભાગના અધિકારીઓના મન સુધી સિમીત છે પરંતુ જરૂર જણાયે ઈન્ડસ્ટ્રીયલ સીએનજીના ભાવમાં ઘટાડવા અંગે પણ સરકાર આગામી સમયમાં મંત્રણા કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).