Face Of Nation:વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે કે તેઓ દરરોજ કરતારપુર સાહિબ કોરિડોરમાં 5000 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપે. આ ઉપરાંત કોઈ વિશેષ તહેવાર પર 10 હજાર વધારાના શ્રદ્ધાળુઓને મંજૂરી મળે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે માત્ર ભારતીય જ નહીં પરંતુ ઓસીઆઈ કાર્ડ ધારક ભારતીય મૂળના લોકોને પણ કોરિડોરના ઉપયોગની મંજૂરી મળે.
આ મંત્રણા માટે બંને દેશના 20-20 અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલની આગેવાનીમાં પાકિસ્તાની દળ ભારત આવ્યું છે. બેઠક પહેલાં ફૈસલે કહ્યું કે પાકિસ્તાન આ કોરિડોરને લઈને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુરૂદ્વારાનું 70%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.મોદી સરકાર સત્તામાં પરત ફર્યા બાદ આ પહેલી અને અત્યાર સુધીમાં પાકિસ્તાન સાથે બીજી વખતની વાતચીત છે. આ પહેલાં 14 માર્ચે બંને દેશોના પ્રતિનિધિઓએ ડ્રાફ્ટ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપ્યું હતું. ભારત કોરિડોરના નિર્માણ પર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેની મદદથી શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાઈટેક સિક્યોરિટી, સર્વિલાંસ સિસ્ટમ, 5000થી લઈને 10 હજાર શ્રદ્ધાળુઓને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.