Home Religion કોકડું વધુ ગૂંચવાયું; પ્રધાનમંત્રી મોદીના ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ છતાં નરેશ પટેલ રહ્યા...

કોકડું વધુ ગૂંચવાયું; પ્રધાનમંત્રી મોદીના ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ છતાં નરેશ પટેલ રહ્યા ગેરહાજર, નરેશ પટેલે હાજરી ન આપી ભાજપથી થોડા દૂર રહ્યા!

Face Of Nation 28-05-2022 : જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી દૂરી બનાવી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે એ જાહેર કરવામાં તેમણે ખૂબ જ ઢીલ રાખી છે. જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ પ્રધાનમંત્રી આવ્યા હોય છતાં નરેશ પટેલ ગેરહાજર રહે તો આ ખૂબ જ સૂચક છે કે તેમણે ભાજપથી અંતર જાળવી રાખ્યું છે.
આમંત્રણપત્રિકામાં નામ લખતાં વિવાદ થયો હતો
હોસ્પિટલના નિર્માતા અને ગુજરાત ભાજપ-ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહેલાં જ જણાવ્યું હતું કે હું નહીં આવી શકું. જોકે આમંત્રણ સમયે નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન આપતાં સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. આમંત્રણપત્રિકામાં પણ નરેશ પટેલનું નામ નથી અને માત્ર ખોડલધામનો લોગો હતો.
કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે
નરેશ પટેલ 31મી મેના રોજ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેનો નિર્ણય જાહેર કરશે એવું જણાવ્યું હતું. હાલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે, પરંતુ ભાજપના હાઇકમાન્ડ સાથે નરેશ પટેલ ડિનર ડિપ્લોમેસી કરી ચૂક્યા છે, પરંતુ હાલ પટેલ સમાજ સહિત લોકોમાં પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે વડાપ્રધાનની હાજરી અને પાટીદાર સમાજની મેદનીના ભવ્ય સમારોહમાં પાટીદારના મોભી ગણાતા નરેશ પટેલ જ ગેરહાજર રહ્યા.
નરેશ પટેલ ભાજપથી દૂર રહ્યા
નરેશ પટેલની ગમે તેવી વ્યસ્તતા હોય, પરંતુ દેશના પ્રધાનમંત્રી અને મોટી સંખ્યામાં સમાજ ઊમટ્યો હોય છતાં તેમણે તેમના કાર્યક્રમમાં કોઈ બાંધછોડ કરી નહીં અને હાજરી ન આપી. આ બહુ સૂચક વાત છે કે નરેશ પટેલ ભાજપથી થોડા દૂર રહ્યા છે તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. આગામી 31મી મેના રોજ પોતે ભાજપમાં જોડાશે એવું અહીં કોઈ ચિત્ર ઊપસતું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).